વલસાડ, 27 મે : કોરોના મહામારી બાદ લાગુ કરાયેલા લોકડાઉનમાં નાના મોટા તમામ વેપારીઓનો વેપાર ઠપ્પ થયો છે.અર્થતંત્રને ફરી ધબકતું કરવા સરકારે આર્થિક પેકેજ જાહેર કર્યું છે.આવા સમયે નાના વેપારીઓના લાયસન્સ ક્લિયર હોય તો તેને લોન સહાય મેળવવામાં સરળતા રહે તે માટે ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામ પંચાયતે 2000 જેટલા વેપારીઓને લાયસન્સ આપવાનું અને રિન્યુ કરવાનું અભિયાન હાથ ધર્યું છે.વલસાડ જિલ્લામાં રેવન્યુ ગામ તરીકે મહત્વના ગામ ગણાતા ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામ પંચાયતે વેપારીઓને વેપારના લાયસન્સ મળી રહે,સરકારની આર્થિક પેકેજની જાહેરાતનો લાભ મેળવી શકે તે માટે તમામ નાના મોટા વેપારીઓને લાયસન્સ આપવાના અને રિન્યુ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.આ અંગે સોળસુંબા ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું હતું કે,લાયસન્સ મેળવવા માટે દુકાનદારે અથવા જેમણે દુકાન ભાડે આપી છે તે દુકાન માલિકે દુકાનના વેપારની માહિતી,પ્રોફેશનલ ટેક્સની માહિતી,ગ્રામ પંચાયતમાં સુચના આપવામાં આવી છે.જે આધારે દુકાનદારના લાયસન્સ રિન્યુ કરવામાં આવી રહ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા પંચાયત વિસ્તારના 2000 જેટલા નાના મોટા વેપારીઓમાંથી અત્યાર સુધીમાં 550 વેપારીઓને લાયસન્સ રિન્યુ કરી ઇસ્યુ કરી દીધા છે.બાકીના દુકાનદારોને પણ પ્રોત્સાહિત કરવા માટે તેમની દુકાન પર જઈ લાયસન્સ રિન્યુ કરવા જણાવી રહ્યા છે.સોળસુંબા ગ્રામ પંચાયતે હાલ લોકડાઉનના નિયમોમાં પણ વેપારીઓ સરકારની ગાઈડલાઈન મુજબ તમામ નિયમોનું પાલન કરે તે માટે અપીલ કરી હતી.જેની સામે વેપારીઓએ પણ લેખિતમાં નિયમોનું પાલન કરવાનું વચન આપ્યું છે અને હાલ ગ્રામ પંચાયત વિસ્તારમાં આ નિયમનું પાલન થતું હોવાનું પણ સરપંચે જણાવ્યું હતું.