– 28 ફેબ્રુઆરીએ પાલિકાની ચૂંટણી, 50,520 મતદારો પોતાના નગરની સરકાર નક્કી કરશે
બારડોલી : બારડોલી નગરપાલિકાની ચૂંટણી આગામી 28મી ફેબ્રુઆરી જાહેર થતા જ રાજકીયપક્ષ પોતાના ઉમેદવારો નક્કી કરવા વોર્ડ પ્રમાણે સાંભળવાની શરૂઆત થઈ ચૂકી છે.વર્ષ 2015ની ચૂંટણીમાં પાલિકાની સત્તા ભાજપે કબ્જે કરી હતી.સત્તા સંભાળતા જ થોડા સમયમાં જ શાસક સભ્યોમાં જૂથવાદના બીજ રોપાયા હતા,અને 5 વર્ષમાં શાસક સભ્યોમાં જ ખેંચતાણ વચ્ચે શાસનનો અંત આવ્યો હતો.
બારડોલી નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકની ગત ચૂંટણીમાં ભાજપે 25 બેઠક અને કોંગ્રેસ 11 બેઠક કબ્જે કરી હતી. સત્તાના 5 વર્ષ શાસકોના યાદગાર નગરજનો માટે રહ્યા છે.ગત ચૂંટણીમાં 45,329 મતદારો હતા,તાજેતરની ચૂંટણીમાં 50,520 મતદારો નોંધાતા, 5 વર્ષમાં 5191 મતદારોનો વધારો નોંધાયો છે.જૂથવાદમાં સમાન્યસભામાં પણ ખાસ વિકાસલક્ષી બાબતો નહિ,પરંતુ વધુ કામોના વિરોધ વચ્ચે પુરી થઈ હતી.ફરી ચૂંટણી આવતા સોસાયટીમાં વિકાસના કામોથી વંચિત રહેતા લોકોએ વિરોધ રજૂ કરવાનું શરૂ કર્યું છે.
9 વોર્ડની 36 બેઠકો માટે ચૂંટણી યોજાશે
વર્ષ 2021ની પાલિકાની ચૂંટણીમાં બારડોલી નગરમાં 9 વોર્ડની 36 બેઠક માટે 25,764 પુરુષ મતદારો, 24,756 મહિલા મતદારો મળી કુલ 50,520 મતદારો મતદાન કરશે.
મહિલા કરતા પુરષ મતદારોમાં વધારો
બારડોલી પાલિકાની વર્ષ 2015ની ચૂંટણીમાં પુરુષ મતદાર 23,356 હતા,જે તાજેતરની ચૂંટણીમાં પુરુષ 25,764 થતા 2408નો વધારો થયો છે.જ્યારે મહિલા મતદાર 21,793 હતી, જે પાંચ વર્ષે 24,756 થતા 2963 મતદારનો વધારો થયો છે.ગત ચૂંટણીમાં મહિલા કરતા 1552 પુરુષ મતદાર વધારે હતા,તાજેતરની ચૂંટણીમાં માત્ર 1008 પુરુષ મતદારોનો વધારો થયો છે.
ભાજપના 219 દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા
બારડોલી નગર ભાજપા કાર્યાલય ખાતે સુરત જીલ્લા ભાજપા સંગઠન મહામંત્રી યોગેશ પટેલ,ઉપપ્રમુખ તુષાર પટેલ તેમજ મહિલા નિરિક્ષક તૃપ્તિ બેન પટેલે હાજર રહી,બારડોલી નગરનાં 9 વોર્ડના ચૂંટણી લડવા અંદાજીત 219 ઇચ્છુક દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા.જેમાં બારડોલી નગર ભાજપ સંગઠન પ્રમુખ રાકેશ ગાંધી અને 2 મહામંત્રી હાજર રહ્યા હતા.નગરમાં સૌથી વધુ વોર્ડ નં.4ના 40 ઇચ્છુક દાવેદારોએ દાવેદારી કરી હતી.