રાજકોટ, તા.10 : રાજસ્થાન ઉપર સર્જાયેલા વેર્સ્ટન ડિર્સ્ટબન્સના કારણે હવામાન વિભાગે આજરોજ સૌરાષ્ટ્ર-ગુજરાતના વિવિધ ભાગોમાં માવઠાની આગાહી કરી છે. આ આગાહી અંતર્ગત આજ રોજ અમરેલીના જાફરાબાદ,સુરત અને નવસારી જિલ્લામાં હવામાન પલ્ટો સર્જાયો હતો.સુરતના અમૂક વિસ્તારોમાં ગત રાત્રે હળવો વરસાદ પડયો હતો.
નવસારી જિલ્લાના અમુક ભાગોમાં આજે સવારે હળવો વરસાદ પડવા પામ્યા હતો.આ ઉપરાંત સુરતમાં હવામાન પલ્ટા સાથે સવારે વાદળીયુ વાતાવરણ છવાયું હતું તેમજ જાફરાબાદ ખાતે પણ આકાશમાં વાદળો છવાયા હતા.રાજકોટમાં જો કે વાતાવરણ સવારે સ્વચ્છ રહ્યું હતું.
દરમિયાન આજ રોજ ગિર સોમનાથ,અમરેલી,સાબરકાંઠા,મહેસાણા,બનાસકાંઠા,સુરત,ભરૂચ,ભાવનગર જિલ્લામાં હળવા વરસાદની સંભાવના વ્યકત કરાઇ છે જ્યારે આણંદ,ભરૂચ,વડોદરા અને ભાવનગર જિલ્લામાં આવતી કાલે હળવા વરસાદની સંભાવના વ્યકત કરાઇ છે.દરમિયાન આજે પણ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વાતાવરણ પલ્ટા સાથે ઠંડી સાવ સામાન્ય રહેવા પામી હતી.આજ રોજ સવારે રાજકોટ શહેરનું લઘુતમ તાપમાન 17 ડીગ્રી નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં 17.5, ડીસામાં 15.8, વડોદરામાં 16.8, સુરતમાં 23.4, કેશોદમાં 17.4, ભાવનગરમાં 19.5, પોરબંદરમાં 19.4, વેરાવળમાં 22, દ્વારકામાં 20, ઓખામાં 22.2, ભુજમાં 17, નલિયામાં 15.2, સુરેન્દ્રનગરમાં 19, કંડલામાં 18.5, અમરેલીમાં 20, ગાંધીનગરમાં 14.5, મહુવામાં 19.3, દિવમાં 22.4, વલસાડમાં 14.5 અને વલ્લભવિદ્યાનગરમાં 18 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.