અમદાવાદ : ગોવાથી અમદાવાદ આવેલી ઇન્ડિગોની ફ્લાઇટના સિક્યોરીટી મેનેજર પાસેથી બિયરની બોટલો મળી આવ્યા બાદ એરપોર્ટની સુરક્ષાની કામગીરી સંભાળતો સીઆઇએસએફનો સ્ટાફ એક્શન મોડમાં આવ્યો છે.જેમાં હવે અમદાવાદમાં આવતા તમામ ફલાઇટના ક્રુ મેમ્બરથી માંડીને પાયલોટ સુધીના ્સ્ટાફની ચકાસણી ફરજિયાત બનાવવામાં આવી છે.તેમ એરપોર્ટ પર નોકરી કરતા એરલાઇન કંપનીના સ્ટાફની ચકાસણીની કામગીરી વધુ આકરી બનાવવાની ચુચના આપવામાં આવી છે.અમદાવાદ ઝોન-૭ના સ્ટાફ દ્વારા થોડા દિવસ પહેલા ઇન્ડિગો એરલાઇનના સિક્યોરીટી મેનેજર ચિરાગ પરમાર પાસેથી ૪૮ ટીન બિયર મળી આવ્યાની ઘટના બાદ એરપોર્ટ પરના વિવિધ એરલાઇનના તમામ સ્ટાફ પર કડક વોચ રાખવા માટે સીઆઇએસએફના અધિકારીઓ સુચના આપી છે.
એરલાઇનના કેટલાંક કર્મચારીઓના સામાનની ચકાસણી થતી ન હોવાની બેદરકારીનો લાભ લઇને ચિરાગ પરમાર છેલ્લાં છ માહિનામાં છ વાર ગોવાથી બિયર અને દારૂ લાવ્યો હતો.જેથી અમદાવાદના ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતી તમામ ફ્લાઇટના પાયલોટ,ક્રુ મેમ્બર્સ,એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફની નિયમિત રીતે ચકાસણી કર્યા બાદ જ એરપોર્ટની બહાર જવા દેવાનો આદેશ અપાયો છે.એટલુ જ નહી તમામ ફ્લાઇટના ક્રુ મેમ્બર્સની તપાસ કર્યા બાદનો રિપોર્ટ પણ સોંપવા માટે જણાવવામાં આવ્યુ ંછે.ઉલ્લેખનીય છે કે ચિરાગ પરમાર પાસેથી દારૂ મળી આવ્યાના ઘટના બાદ સીઆઇએસએફના અધિકારીઓને આશંકા છે કે દુબઇથી આવતી ફ્લાઇટમા ક્રુ મેમ્બર્સ દ્વારા ગોલ્ડ,ઇલેક્ટ્રોનીક્સ ગેઝેટ્સ,કેસર જેવી કિંમત ચીજ વસ્તુઓ પણ ગેરકાયદેસર રીતે લાવવામાં આવતી હોવાની આશંકા છે.આ ઉપરાંત,અમદાવાદની ઘટનાને ધ્યાનમાં રાખીને દેશના અન્ય શહેરોના એરપોર્ટ પર પણ આ અગે વધુ સતર્કતા દાખવવા માટે તાકીદ કરવામાં આવી છે.


