અમદાવાદ,ગુરુવાર, 28 એપ્રિલ, 2022 : બે વર્ષમાં બાંધકામ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા મટીરીયલમાં થયેલા ભાવવધારાના પગલે મ્યુનિ.તંત્રે સમય મર્યાદા વધારવામાં આવે તેવા કીસ્સામાં કોન્ટ્રાકટરોને સ્ટીલ,સિમેન્ટ અને ડામર સિવાયના મટીરીયલ પર પાંચ ટકા સુધીનો ભાવ વધારો આપવા સ્ટેન્ડીંગ કમિટીએ મંજુરી આપી છે.લો-ગાર્ડન પાર્કીંગના કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરવા સભ્યે રજૂઆત કરી હતી.સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં જે કામોમાં ભાવ વધારાની કોઈ જોગવાઈ નથી એવા કામોમાં ભાવવધારાની ચૂકવણી આરબીઆઈ ઈન્ડેકસ મુજબ કરવા ઉપરાંત જે કામની સમય મર્યાદા વધારવામાં આવી હોય અને ઈજારદારનો વાંક ન હોય એવા કીસ્સામાં સમય મર્યાદા પૈકી બાર મહિના પછીના સમયગાળા માટે સ્ટીલ,સિમેન્ટ અને ડામર સિવાયના મટીરીયલ માટે પાંચ ટકા સુધીનો ભાવવધારો આપવા નિર્ણય કરાયો છે.નારણપુરાના કોર્પોરેટરે સ્ટેન્ડીંગ કમિટીની ગત સપ્તાહે મળેલી બેઠકમાં લો-ગાર્ડન ખાતે આપવામાં આવેલા પાર્કીંગ કોન્ટ્રાકટર દ્વારા નિયત ચાર્જથી વધુ રકમ વસૂલવામાં આવતી હોવાની રજૂઆત કરી હતી.દરમ્યાન તપાસમાં આ બાબત સાચી હોવાનો પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનરે રીપોર્ટ આપતા સ્ટેન્ડીંગ કમિટીના સભ્યે આ કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરવા ઉપરાંત તેની ડીપોઝીટ જપ્ત કરવા રજૂઆત કરી હતી.