અમદાવાદ, ગુરુવાર, 12 મે,2022 : અમદાવાદ મ્યુનિ.હસ્તકના શહેરમાં આવેલા કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટનું કોઈ પણ શહેરીજન બુકીંગ કરાવે એ સમયે જ એને મ્યુઝિક સિસ્ટમના વપરાશ માટે કેટલો ચાર્જ ભરવો પડશે એ અંગે જાણ કરવાની રહેશે એ પ્રમાણેનો નિર્ણય સ્ટેન્ડીંગ કમિટીમાં કરાયો છે.બજેટ રીવ્યુ કમિટીમાં મેયરનો સમાવેશ કરાયો છે.હવેથી આ કમિટીની બેઠક મેયરના અધ્યક્ષ સ્થાને મળશે.
શહેરમાં આવેલા મ્યુનિ.હસ્તકના કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટના બુકીંગ કરાવનારે મ્યુઝિક સિસ્ટમનો ઉપયોગ કરવાનો ચાર્જ ભરવાની પ્રથા હાલમાં અમલમાં છે.પરંતુ ઓનલાઈન બુકીંગ સમયે મ્યુઝિક સિસ્ટમના ચાર્જ અંગેની વિગત વેબસાઈટ ઉપર નીચેના ક્રમે મુકવામાં આવી હોવાથી ઘણા બધા કીસ્સાઓમાં અરજદારોને મ્યુઝિક સિસ્ટમનો ચાર્જ ભરવાનો થાય એ સમયે મુશ્કેલી થાય છે.આ બાબતને ધ્યાનમાં રાખી જે સમયે કોમ્યુનિટી હોલ કે પાર્ટી પ્લોટનું બુકીંગ કોઈ કરાવે એ સમયે જ એને મ્યુઝિક સિસ્ટમ વપરાશનો કેટલો ચાર્જ થશે એ જાણ કરવામાં આવે તો લોકોને સરળતા રહે એમ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેષ બારોટે કહ્યુ હતું.
નવા પશ્ચિમ ઝોનમાં પેવરબ્લોકના કામ માટે ટેન્ડરોમાં કયા કારણથી કોન્ટ્રાકટરો રસ ધરાવતા નથી એ બાબતની તપાસ કરવા તેમજ કેટલા કોન્ટ્રાકટરોના ફાઈનલ બિલના પાંચ ટકા બાકી રાખવામાં આવ્યા છે એ બાબતની કમિટીમાં ચર્ચા કરાઈ હતી.બજેટ રીવ્યુ કમિટીમાં અત્યારસુધી મેયરનો સમાવેશ કરાયો નહોતો.હવે પછી ૨૦ મેના રોજ મળનારી રીવ્યુ કમિટીની બેઠક મેયરના અદ્યક્ષસ્થાને મળશે.જેમાં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, પક્ષનેતા,દંડક શાસકપક્ષ ઉપરાંત વિવિધ કમિટીઓના ચેરમેન સભ્ય તરીકે રહેશે.


