– કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ લોકલ ઇલેક્શનમાં આવતા નથી પરંતુ ભાજપ માટે આ વખતે નરેન્દ્ર મોદી,અમિત શાહ અને જેપી નડ્ડા ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ આવશે
ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપ્ને મતદારોનો ભય લાગી રહ્યો છે,કારણ કે શહેરી વિસ્તારોને બાદ કરતાં તમામ ગ્રામીણ વિસ્તારોમાં આજેપણ કોંગ્રેસનું વર્ચસ્વ છે.આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી સહિતની બીજી 20 જેટલી પાર્ટીઓએ ચૂંટણી લડવાનું જાહેર કર્યું હોવાથી ભાજપ્ને રાષ્ટ્રીય નેતાઓનો સહારો લેવાની જરૂરિયાત ઉભી થઇ છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. તેઓએ પ્રદેશ નેતાઓ સાથે સ્થાનિક ચૂંટણીની વ્યૂહરચના ગોઠવી માર્ગદર્શન આપ્યું છે.પાર્ટીના સૂત્રો કહે છે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત,નગરપાલિકા અને મહાનગરોની ચૂંટણીમાં પાર્ટીએ રાષ્ટ્રીય નેતાઓનો સહારો લેવો પડશે.કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી શકે છે,જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પ્રતિ માસ એક પછી એક ઉદ્દઘાટન કરવવામાં આવી રહ્યાં છે.
બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ચૂંટણી દરમ્યાન ગુજરાતના પ્રવાસે આવી શકે તેમ છે.કોંગ્રેસના જીતી શકે તેવા ઉમેદવારોને ભાજપમાં પ્રવેશ અપાવવા તેમની મુલાકાત મહત્વની બની રહે છે.આ વખતે પણ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને ફિલર્સ મોકલવાના શરૂ કરવામાં આવ્યા છે.ભાજપ્ના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો ઇનકાર છતાં રાષ્ટ્રીય કક્ષાએ ભાજપે કોંગ્રેસને તોડવાનું આયોજન કર્યું છે,કારણ કે આ ચૂંટણી ગુજરાત ભાજપ માટે અતિ મહત્વની બનશે.
સ્થાનિક ચૂંટણીના પરિણામો પરથી વિધાનસભાની 2022ની ચૂંટણીનું ભાવિ નક્કી થશે તેવું પાર્ટીના એક સિનિયર નેતાએ કહ્યું છે.જો સ્થાનિક ચૂંટણીમાં 75 ટકા સંસ્થાઓ ભાજપ્ના કબજામાં આવી જાય તો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તેનો ટારગેટ પૂર્ણ કરી શકશે.આ વખતે પાર્ટીનું મિશન 150 પ્લસનું એટલા માટે છે કે માધવસિંહ સોલંકીના સમયમાં કોંગ્રેસે ગુજરાતની 182 પૈકી 149 બેઠકો કબજે કરી હતી. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા,પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ગોલ 150 પ્લસ બેઠકોનો રહ્યો છે.
પાંચ વર્ષ પહેલાં યોજાયેલી ચૂંટણીમાં મોટાભાગની જિલ્લા અને તાલુકા પંચાયતો કોંગ્રેસના ફાળે ગઇ હતી. કોંગ્રેસને કેટલીક નગરપાલિકાઓ પણ મળી હતી, જો કે મહાનગરની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ અત્યંત કંગાળ રહ્યો હતો.ભાજપ્ને ભય છે કે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસને ફાયદો થાય તેમ છે,કારણ કે કોરોના સંક્રમણ સમયે સરકારની ખામીઓ,પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ,ખેડૂતોના પ્રશ્નો અને મોંઘવારી જેવા મુદ્દાઓને વિપક્ષ પૂરજોશથી ઉછાળી શકે છે.આ સંજોગોમાં પાર્ટીએ કોંગ્રેસને નબળી પાડવાની સ્ટેટેજી વિચારી હોવાનું જાણવા મળ્યું છે.