મેડ્રીડ,તા.૨૫
કોરોના વાઈરસને ડબ્લ્યુએચઓ વૈશ્વિક રોગચાળો (પેનડેમિક) જાહેર કરી શકે છે. નિયમ પ્રમાણે લોકો વચ્ચે એકદમ સરળતાથી કોઇ બીમારી ફેલાય તો તેને પેનડેમિક જાહેર કરાય છે. જોકે સંગઠને હજુ તેને પેનડેમિક જાહેર કર્યો નથી કારણ કે મોટાભાગના કેસ ચીનમાંથી જ ફેલાયેલા છે. ડબ્લ્યુએચઓએ ચીન દ્વારા કોરોના વાયરસ સામે લેવામાં આવેલા પગલાઓની પ્રશંશા કરી હતી અને વિશ્વના અન્ય દેશોને આ વાયરસના ગંભીર ખતરાથી લડવા માટે તૈયાર રહેવા કહ્યું છે. ડબ્લ્યુએચઓ પ્રમાણે આ વાયરસ આખા વિશ્વને ભરડામાં લઇ શકે છે. ડબ્લ્યુએચઓએ આ બીમારીને સત્તાવાર રીતે સીઓવીઆઈડી-૧૯ નામ આપ્યું છે જેના કેસ હવે અફઘાનિસ્તાન, બહેરીન, કુવૈત, ઈરાક અને ઓમાનમાં પણ સામે આવ્યા છે.
પશ્વિમી આફ્રિકાના તટ પાસે સ્પેનના નિયંત્રણ વાળા ટેનેરિફ ટાપુમાં એક હોટલના ગેસ્ટનો કોરોના વાઈરસ રિપોર્ટ પોઝિટીવ આવતા તેને પોલીસે કોર્ડન કરી હતી. મંગળવારે આખી હોટલને પોલીસ કોર્ડન અંતર્ગત રાખવામાં આવી હતી. સ્થાનિક ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે હોટલમાં ૧૦૦૦ લોકો છે. આવી પરિસ્થિતિમાં સત્તાવાર રીતે ૧૪ દિવસનો લોકડાઉન પીરિયડ રાખવામાં આવે છે જેવી રીતે ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝમાં રાખવામાં આવ્યો હતો.સ્થાનિકો આ હોટલનું નામ એચ-૧૦ કોસ્ટા અડાય પેલેસ જણાવી રહ્યા છે. અત્યારે અહીંથી કોઇને આવવા કે જવાની પરવાનગી નથી. સ્થાનિક રિપોર્ટ પ્રમાણે એક ટુરિસ્ટ હોટલમાં સાત દિવસથી પત્ની સાથે હતો. અચાનક તેની તબિયત બગડતા તેણે લોકલ હેલ્થ સેન્ટરમાં તપાસ કરાવી હતી. ત્યારબાદ તેને અલગ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. તે ટુરિસ્ટ સાથે અન્ય બે લોકોને પણ સંભવિત સંક્રમણને જોતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જીનિવામાં ડબ્લ્યુએચઓના ચીફ ડો. ટેડ્રોસ એડહોમે કહ્યું કે, ”ચીનમાં ૨૩ જાન્યુઆરીથી ૨ ફેબ્રુઆરી સુધી કેસમાં ભારે વધારો જોવા મળ્યો હતો. જોકે ત્યારબાદ નવા કેસ આવવાની સંખ્યા ઘટી છે.” આ બીમારીને પેનડેમિક જાહેર કરાશે કે નહીં તે મુદ્દે તેમણે કહ્યું, ”લગાતાર વધી રહેલા કેસ એક ચિંતાનો વિષય છે. આ પેનડેમિક કહેવાય તે અંગે ઘણી ધારણાઓ બાંધવામાં આવી રહી છે પણ અત્યારની સ્થિતિમાં અમને વૈશ્વિક સ્તરે એકદમ મોટા પાયે કેસ કે મૃત્યુનો આંકડો મળ્યો હોય તેવું લાગતું નથી. ” તેમણે ચીન દ્વારા વાઈરસ સામે લડવા માટે લેવામાં આવેલા પગલાઓને બિરદાવ્યા હતા. અત્યારે વિશ્વમાં કુલ ૭૯૦૦૦ લોકો તેના સંક્રમણથી ગ્રસ્ત છે અને ૨૬૦૦ લોકો મોતને ભેટયા છે.
સ્પેનના ટાપુમાં કોરોનાનો એક કેસ પોઝિટીવ આવતા હોટલ લોકડાઉન કરાઈ

Leave a Comment