અમદાવાદ,મંગળવાર,15 ફેબ્રુ,2022 : સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર ઉપરાંત સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ સહિતના સત્તાધીશોએ શહેરીજનોને બજેટના નામે ખો આપી છે.શહેરમાં પાંચ કરોડના ખર્ચે એફ.એમ.સ્ટેશન અને ત્રણ કરોડના ખર્ચે જગદીશ મંદિર વિસ્તારને ડેવલપ કરવાની વર્ષ-૨૦૨૧-૨૨ના મંજુર કરવામાં આવેલા બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી.આ પ્રકારની અનેક દરખાસ્ત ચોકકસ રકમની જોગવાઈ કરવામાં આવ્યા બાદ પણ અમલમાં મુકવામાં આવી નથી.સામે પક્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ કોંગ્રેસ દ્વારા બજેટમાં સુધારા રજૂ કરવામાં આવ્યા છે.વિપક્ષ તરફથી મુકવામાં આવેલા સુધારામાં પણ આ બાબતને અવગણવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ૧૮ ફેબુ્આરીના રોજ વર્ષ-૨૦૨૨-૨૩ના વર્ષ માટે રજૂ કરવામાં આવેલા બજેટને મંજુરી આપવા ખાસ બજેટ બોર્ડ બેઠક મળવાની છે.આ બેઠક અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર,સત્તાધારી પક્ષ તરફથી દર વર્ષે બજેટના નામે શહેરીજનોને બતાવવામાં આવતા હથેળીમાં ચાંદ જેવા પોકળ વચનો અંગેનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.
વર્ષ-૨૦૦૫થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ સત્તાસ્થાને છે.છેલ્લા સત્તર વર્ષથી સત્તાના સૂત્રો સંભાળી રહેલા ભાજપ દ્વારા દર વર્ષે કરોડો રુપિયાના બજેટ મંજુર કરવામાં આવતા હોય છે.મંજુર કરવામાં આવતા બજેટ પૈકીની મોટાભાગની જાહેરાતો માત્ર કાગળ ઉપર જ રહેવા પામતી હોય છે.આવી જાહેરાતો પૈકી એક જાહેરાત ગત વર્ષે મંજુર કરવામાં આવેલા બજેટમાં એફ.એમ.રેડીયો સ્ટેશન અંગેની હતી.મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ ગત વર્ષે મોટા ઉપાડે એવી જાહેરાત કરી હતી કે,દેશભરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એફ.એમ.રેડીયો સ્ટેશન શરુ કરનારુ પહેલુ મ્યુનિસિપલ કોર્પોરેશન બનશે.આ માટે ગત વર્ષના બજેટમાં પાંચ કરોડની રકમ ફાળવવામાં આવી હતી.
આ વર્ષના મ્યુનિ.સ્ટેન્ડીંગ કમિટી તરફથી રજુ કરવામાં આવેલા બજેટમાં એફ.એમ.રેડીયો સ્ટેશનનો જ છેદ ઉડાડી દેવામાં આવ્યો છે.ગત વર્ષે અમદાવાદ મ્યુનિ.તરફથી ૮૦૫૧ કરોડનું વાર્ષિક બજેટ મંજુર કરવામાં આવ્યુ હતુ.શહેરીજનોની સૌથી મોટી કમનસીબી એ વાતની છે કે,લોકશાહીમાં સબળ વિપક્ષની શહેરના વિકાસમાં ખુબ મહત્વની ભૂમિકા હોય છે પરંતુ વિપક્ષ કોંગ્રેસ તરફથી પણ વર્ષ-૨૦૨૨-૨૩ના બજેટમાં રજુ કરવામાં આવેલા સુધારામાં વહીવટીતંત્ર કે સત્તાધારી પક્ષ તરફથી ગત વર્ષે કરવામાં આવેલી પોકળ જાહેરાતો ખુલ્લી પાડી સત્તાધારી પક્ષ કે વહીવટીતંત્રના કાન પકડી પ્રજા સમક્ષ તેમને ખુલ્લા પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય એમ તેમના દ્વારા બજેટ અંગે રજૂ કરવામાં આવેલા સુધારામાં દેખાતુ નથી.ગત વર્ષે શહેરના જમાલપુર દરવાજા બહાર આવેલા જગદીશ મંદિર અને એની આસપાસના વિસ્તારને ડેવલપ કરવા સત્તાધારી પક્ષ તરફથી ત્રણ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.
રીલીફ રોડ ઉપર એલિવેટેડ કોરીડોર પંદર વર્ષથી કાગળ ઉપર
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ-૨૦૦૭ના વર્ષમાં અસિત વોરા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હતા એ સમયે કાલુપુર રેલવે સ્ટેશનથી વીજળીઘર સુધી એલિવેટેડ કોરીડોર બનાવવાની બજેટમાં મંજુરી આપવામાં આવી હતી.જે સમયે રીલીફ રોડ ઉપર એલિવેટેડ કોરીડોર બનાવવા દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી એ સમયે એલિવેટેડ કોરીડોર બનાવવા અંગે સર્વે કરવા વીસ લાખ રુપિયાની રકમની ફાળવણી પણ કરવામાં આવી હતી.જે નાગરીકને કાલુપુર રેલવે સ્ટેશનથી વીજળીઘર સુધી ચાલતા જવુ હોય એ આ એલિવેટેડ કોરીડોરની મદદથી જઈ શકે એવા હેતુ સાથે આ દરખાસ્ત એ વર્ષે બજેટમાં મંજુર કરવામાં આવી હતી.પંદર વર્ષ બાદ પણ રીલીફ રોડ ઉપર એલિવેટેડ કોરીડોર બની શકયો નથી.
વોલ સિટી રીવાઈલીટેશન પ્રોજેકટ માટે બે વર્ષથી જાહેરાત કરાય છે
વર્ષ-૨૦૧૭ના જૂલાઈ મહિનામાં અમદાવાદ શહેરને યૂનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ શહેરનો દરજજો આપવામાં આવ્યો છે.જે સમયે યૂનેસ્કો તરફથી અમદાવાદ શહેરને આ દરજજો આપવામાં આવ્યો હતો એ સમયે જ એમની જે કેટલીક શરતો હતી એ પૈકીની એક શરત અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આવેલા હેરીટેજ વારસાને કેવી રીતે સુરક્ષિત રખાશે એ અંગેનો વોલ સિટી રીવાઈલીટેશન પ્લાન તૈયાર કરી યૂનેસ્કોમાં સબમીટ કરવાનો હતો.છેલ્લા બે વર્ષથી મ્યુનિ.સત્તાધીશો દ્વારા આ પ્રોજેકટ માટે રકમની ફાળવણી કરવામાં આવે છે.વર્ષ-૨૦૨૧-૨૨ના બજેટમાં આ માટે એક કરોડની રકમ ફાળવવામાં આવી હતી.વર્ષ-૨૦૨૨-૨૩ માટે સ્ટેન્ડીંગ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં પણ હેરીટેજ ઈમારતોના ડેવલપમેન્ટ માટે પાંચ કરોડની રકમની જોગવાઈ કરવામાં આવી છે.આમ છતાં વોલ સિટી રિવાઈલીટેશન પ્રોજેકટની કામગીરી મંથર ગતિથી ચાલી રહી છે.


