અમદાવાદ,બુધવાર,11 મે,2022 : સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રમાં કેટલી હદે પોલંપોલ કે બેદરકારી ચાલી રહી છે એ બાબતનો વરવો પુરાવો બુધવારે બે અલગ અલગ ઘટનાઓમાં જોવા મળવા પામ્યો હતો.જયાં એક તરફ મધ્યઝોનના ખાડિયા વોર્ડના ભાજપના કોર્પોરેટર સવારથી પોતાના વોર્ડના અલગ અલગ વિસ્તારોમાં લોકો વચ્ચે જઈ પાણીનો વેડફાટ થતો અટકાવવા જયાં એમને એમ પાણી વેડફાતુ હોય ત્યાં બૂચ મારે છે ત્યાં બીજી તરફ ઘોડાસરમાં મ્યુનિ.તંત્રની બેદરકારીથી પાણીની લાઈનનું લીકેજ સમયસર રીપેર ના થતા હજારો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો હતો.આ અંગે લોકોએ તંત્ર ઉપર ભારે પસ્તાળ પાડી છે.
ખાડિયા વોર્ડમાંથી ચૂંટાઈને કોર્પોરેટર પંકજ.બી.ભટ્ટ ચૂંટાઈને આવ્યા એ સમયથી પોતાના ખાડિયા વોર્ડમાં આવેલી અલગ અલગ પોળોમાં ફરીને લોકોની વચ્ચે જઈ પહોંચે છે.લોકોની સમસ્યાને જાણે છે,સમજે છે અને તેને શકય હોય ત્યાં સુધી પહેલા પોતાની રીતે ઉકેલવા પ્રયાસ કરે છે બાદમાં જરુર લાગે તેવા કીસ્સામાં મ્યુનિસિપલ તંત્રને જાણ કરી મદદ લેતા હોય છે.ખાડિયાના આ કોર્પોરેટર રોજ સવારે અલગ અલગ પોળ અને ખડકીઓમાં રહેતા લોકોને ત્યાં પહોંચી પાણીના કેરબામાં રહેલા પોરાનો નાશ કેવી રીતે કરવો? વિવિધ સરકારી યોજનાઓ થકી લોકોને મળતા લાભ અંગેની સમજણ આપવાની સાથે પાણીનો બગાડ અટકાવવા માટે પાણી બચાવો-પાણી તમને બચાવશેના સૂત્ર સાથે એમના રાઉન્ડ દરમ્યાન જયાં પણ પાણીના નળ એમને એમ ખુલ્લા હોય અને પાણી વહી જતુ હોય એવા નળ બંધ કરવા ઉપરાંત જયાં પાણી વહી જતુ અટકાવવા બૂચ મારવાની જરુર જણાય એવા કીસ્સામાં પોતે બૂચ પણ લગાવી પાણી બચાવે છે.
બીજી તરફ શહેરનાઘોડાસર વિસ્તારમાં આવેલા વૈભવલક્ષ્મી મંદિર પાસેથી પસાર થતી મ્યુનિ.ની પાણીની લાઈનમાં બુધવારે લીકેજ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થતા સ્થાનિક રહીશો પરેશાન થઈ ગયા હતા.આ અંગે તેમણે મ્યુનિ.ના સંબંધિત તંત્રને જાણ પણ કરી હતી.બાદમાં પાણીનો વેડફાટ થતો હોય એ પ્રમાણેનો વિડીયો સોશિયલ મિડીયા ઉપર વાઈરલ કર્યા બાદ સફાળા જાગેલા મ્યુનિ.તંત્રે આ લીકેજનું તાકીદે સમારકામ કરાશે એવુ આશ્વાસન આપ્યુ હતું.
ખાડિયા વોર્ડમાં છેલ્લા એક મહિનાથી પ્રદૂષિત પાણી આવવાની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ રહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગે પોલ્યુશન સ્પોટ શોધવા અનેક જગ્યાએ ખોદકામ કર્યા બાદ પણ પોલ્યુશન કયાંથી આવે છે? એ અંગેનું ચોકકસ સ્પોટ ના મળી આવતા છેલ્લા ત્રણ દિવસથી ખાડિયા ગેટ પાસે પોલ્યુશનનું સ્પોટ શોધવા ખોદકામ કરી લાઈનની અંદર રહેલા લીકેજને શોધીને સમારકામ કરવા માટેની કામગીરી હાથ ધરી છે.


