અમદાવાદ,શુક્રવાર, 6 મે, 2022 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં માત્ર માર્ચ મહિનામાં ૨૮૧ કેસમાં પ્રોપર્ટી ટેકસનાં ભરવામાં આવેલી ૨.૨૬ કરોડ જેટલી રકમ મ્યુનિ.માં જમા ના થતાં રેવન્યુ કમિટી ચેરમેને અગાઉના વર્ષોમાં આ પ્રકારે થયેલા વ્યવહારો શોધવા ઉપરાંત આ સમગ્ર મામલે ફોરેન્સિક ઓડીટ હાથ ધરવાની સાથે ટેકસ વિભાગ દ્વારા સાયબર ક્રાઈમની મદદ લઈ ગુનેગાર સામે પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી કરાઈ હોય તો તેની વિગત આપવા ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી છે.
રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે ટેકસ પેમેન્ટમાં ૧૫૦થી પણ વધુ લોકોના ટેકસના નાણાં કોર્પોરેશનમાં જમા થયા વગર અથવા તો ઓછા નાણાં ભરીને સિસ્ટમ સાથે ચેડાં કરીને સેટલ અથવા ક્રેડીટ થયા હોવા અંગે તપાસ કરવા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ થોડા દિવસ અગાઉ રજૂઆત કરી હતી.કોઈ કરદાતા ગુગલ -પે દ્વારા એડવાન્સ ટેકસ પેમેન્ટનો વિકલ્પ પસંદ કરે છે તો એવા કીસ્સામાં બેંક-ગુગલ -પે દ્વારા પૈસા કપાયાની રિસિપ્ટ મળે છે.જયારે મ્યુનિ.ની વેબસાઈટમાં ઓનલાઈન પેમેન્ટ ફીલ્ડમાંથી રિસીપ્ટ મળતી નથી.ત્યાં પેમેન્ટ ફેલ બતાવે છે.
માત્ર માર્ચ-૨૦૨૨ના એક મહિનામાં આ પ્રકારના કુલ ૨૮૧ કેસમાં ૨.૨૬ કરોડની રકમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા થઈ ના હોવાનું બહાર આવતા ચેરમેને ડેપ્યુટી કમિશનર ઈ-ગવર્નન્સ,ટેકસ અને વિજિલન્સને અગાઉના વર્ષોમાં આ પ્રકારે થયેલા વ્યવહારો શોધવા કોઈ ચોકકસ પધ્ધતિ મ્યુનિ.દ્વારા અપનાવાઈ છે કે કેમ?ફ્રોડની ઘટનામા જે કોઈ પણ પ્રથમદર્શી ગુનેગાર હોય એની સામે કાર્યવાહી કરાઈ છે કે કેમ? તેમજ આવી ઘટના ફરી ના બને એ માટે સિસ્ટમમાં કોઈ સુધારો કરવામાં આવ્યો છે કે કેમ? વગેરે જેવી બાબતની સ્પષ્ટતા માંગી છે.ટેકસ વિભાગે આ મામલે સાયબર ક્રાઈમની મદદ લઈ ગુનેગાર સામે પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી કરી હોય તો તેની વિગત આપવાની સાથે વિજિલન્સ અને ફોરેન્સિક ઓડીટ કરવા પણ કમિટી ચેરમેને રજૂઆત કરી છે.


