અમદાવાદ,મંગળવાર,26 એપ્રિલ,2022 : સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં આવેલા સાત ઝોનનાં અર્બન હેલ્થ સેન્ટરમાં માત્ર ૫૧ દિવસના સમયમાં તાવના ૧૭ હજારથી વધુ અને ઝાડા ઉલટીના ૪૬૦૦થી પણ વધુ દર્દી નોંધાયા છે.શહેરના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ તાવના ૪૬૫૦ તથા ઝાડા ઉલટીના ૨૨૯૪ કેસ નોંધાવા પામ્યા છે.શહેરના તમામ ઝોનમાં પ્રદૂષિત પાણીની વધેલી ફરિયાદોના કારણે પાણીજન્ય રોગના કેસમાં વધારો થયો છે.આ આંક માત્ર અર્બન હેલ્થ સેન્ટરના છે.મ્યુનિ.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલના આંક ઉમેરવામાં આવે તો આ સંખ્યા હજુ વધી શકે એમ છે.
અમદાવાદ શહેરમાં હાલમાં ૪૨ ડીગ્રી સેલ્સિયસ જેટલુ તાપમાન છે.આ અંગે હવામાન વિભાગ તરફથી એલર્ટ પણ આપવામાં આવ્યુ છે.સાત ઝોનમાં મ્યુનિ.સંચાલિત ૮૦ અર્બન હેલ્થ સેન્ટર આવેલા છે.આ તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં ૧ માર્ચ-૨૦૨૨થી ૨૦ એપ્રિલ સુધીના ૫૧ દિવસના સમયમાં તાવના કુલ ૧૭૭૯૩ તેમજ ઝાડા ઉલટીનાં ૪૬૨૬ દર્દી નોંધાવા પામ્યા છે.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે પ્રતિક્રીયા આપતા કહ્યુ,વોટર પ્રોજેકટના નામે કરોડોની કીંમતના પ્રોજેકટ પુરા કરાયાનો સત્તાધીશો દાવો કરી રહ્યા છે.આમ છતાં શહેરના મોટાભાગના ઝોનના વોર્ડ વિસ્તારોમાં બે કલાક પણ પુરતા પ્રેસરથી પાણી મળતુ નથી.પ્રદૂષિત પાણીની ફરિયાદોનો સમયસર નિકાલ થતો નથી.જે કારણથી પાણીજન્ય રોગચાળો વકર્યો છે.જો આ સમસ્યાનું તાકીદે નિરાકરણ કરવામાં નહીં આવે તો મ્યુનિ.તંત્ર અને સત્તાધીશો સામે જનઆંદોલન કરવાની કોંગ્રેસને ફરજ પડશે.
કયા ઝોનમાં કેટલા દર્દી?
ઝોન તાવના દર્દી ઝાડા ઉલટીના દર્દી
મધ્ય ૧૩૭૦ ૦૩૫
ઉત્તર ૨૪૨૬ ૭૨૮
પૂર્વ ૩૫૧૭ ૭૫૪
પશ્ચિમ ૨૫૦૬ ૩૦૧
દ.પ. ૧૬૯૨ ૩૬૧
દક્ષિણ ૪૬૫૦ ૨૨૯૪
ઉ.પ. ૧૬૩૨ ૧૫૩
૨૩ દિવસમાં ઝાડા ઉલટીનાં ૬૨૪ કેસ
મ્યુનિ.હેલ્થ વિભાગે ૨૩ એપ્રિલ સુધીમાં પાણી જન્ય એવાં ઝાડા ઉલટીનાં ૬૨૪ કેસ, કમળાના ૧૦૩ કેસ તથા ટાઈફોઈડના ૧૧૬ કેસ નોંધાયા હોવાનું દર્શાવ્યુ છે.મચ્છરજન્ય એવા મેલેરિયાના ૨૩ દિવસમાં ૩૫ કેસ,ડેન્ગ્યૂના છ કેસ તથા ચિકનગુનિયાના આઠ કેસ નોંધાયા હોવાનું દર્શાવ્યુ છે.જાન્યુઆરીથી ૨૩ એપ્રિલ સુધીમાં ઝાડા ઉલટીનાં ૧૩૪૪ કેસ, કમળાના ૪૬૪ કેસ, ટાઈફોઈડના ૪૦૪ કેસ નોંધાયા છે.જાન્યુઆરીથી ૨૩ એપ્રિલ સુધીમાં મેલેરિયાના ૬૩ કેસ, ઝેરી મેલેરિયાના ત્રણ કેસ, ડેન્ગ્યૂના ૩૮ તેમજ ચિકનગુનિયાના ૧૦૪ કેસ નોંધાયા છે.
એપ્રિલમાં પાણીના ૨૨૫ સેમ્પલ અનફીટ જાહેર કરાયા
આ વર્ષે મ્યુનિ.હેલ્થ વિભાગે ૨૩ એપ્રિલ સુધીમાં રેસીડેન્સ કલોરીન ટેસ્ટ માટે કુલ ૧૯૬૧૧ સેમ્પલ લીધા હતા.આ પૈકી ૭૭ સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે.બેકટેરીયોલોજીકલ તપાસ માટે કુલ ૩૭૩૭ સેમ્પલ લેવાયા હતા.જે પૈકી માર્ચ મહિનામાં ૨૦ તથા એપ્રિલમાં ૨૦૫ એમ કુલ મળી ૨૨૫ સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે.
કોલેરાના કેસની સંખ્યા અંગે હેલ્થ વિભાગનો ઢાંકપિછોડો
મ્યુનિ.હેલ્થ વિભાગે જારી કરેલી યાદીમાં શહેરના બહેરામપુરા વોર્ડમાં આવેલા સીમા રો હાઉસમાં કોલેરાનો એક કેસ નોંધાયો હોવા સાથે આ વર્ષે ૨૩ એપ્રિલ સુધીમાં કુલ પાંચ કેસ નોંધાયા હોવાનું દર્શાવ્યુ છે.મણિનગર વિસ્તારમાં આવેલી એલ.જી.હોસ્પિટલ મ્યુનિ.સંચાલિત હોસ્પિટલ છે.આ હોસ્પિટલમાં માર્ચ-૨૦૨૨માં કોલેરાના સાત દર્દી ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ હતા.આમ છતાં હેલ્થ વિભાગ આ વર્ષે શહેરમાં કોલેરાના માત્ર પાંચ કેસ નોંધાયા હોવાનુ બતાવી સાચી વિગત છુપાવી રહ્યુ છે.