વોશિંગ્ટન, તા.૨૭ : યુક્રેન પર આક્રમણ બદલ અમેરિકા,યુરોપ સહિતના દેશો રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદી રહ્યા છે.આ પ્રતિબંધોની શ્રેણીમાં હવે અમેરિકા અને સહયોગી દેશોએ સ્વિફ્ટ નાણાકીય વ્યવસ્થામાંથી રશિયાની પસંદગીની બેન્કોની હકાલપટ્ટી કરવાનો નિર્ણય કર્યો છે.સાથે જ રશિયાની સેન્ટ્રલ બેન્ક પર પ્રતિબંધ મૂકી દીધો છે.આ પ્રતિબંધથી આર્થિક રીતે રશિયાને મોટો ફટકો પડશે.
અમેરિકા,યુરોપીયન યુનિયન,ફ્રાન્સ,જર્મની,ઈટાલી,બ્રિટન અને કેનેડાના પ્રમુખોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે,રશિયન કંપનીઓની સંપત્તિઓ અંગે તપાસ કરવા સંયુક્ત ટાસ્ક ફોર્સ નિયુક્ત કરવા અંગે પણ સંમતિ વ્યક્ત કરવામાં આવી છે.સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશન (સ્વિફ્ટ) દુનિયાની ટોચની બેન્કિંગ મેસેજિંગ સર્વિસ છે,જેમાં અંદાજે ૨૦૦થી વધુ દેશોમાં ૧૧,૦૦૦ બેન્કો અને સંસ્થાઓ જોડાયેલી છે.તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.સ્વિફ્ટ એક વૈશ્વિક બેન્કિંગ વ્યવસ્થા છે.
બેલ્જિયમમાં સ્થિત સ્વિફ્ટ વૈશ્વિક અર્થતંત્રને સુચારુરૂપે ચલાવે છે અને તેમાંથી હકાલપટ્ટીથી રશિયાને આર્થિક રીતે ભારે નુકસાન થઈ શકે છે.બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન જી-૭ દેશોના સભ્યો સાથે આ માટે અગાઉથી જ દબાણ કરી રહ્યા હતા.આ ઉપરાંત રશિયાની સરહદ સાથે જોડાયેલા દેશો પણ ઈચ્છે છે કે રશિયાને સ્વિફ્ટમાંથી બહાર કરવામાં આવે.અમેરિકાના કેટલાક સેનેટરોએ પણ રશિયાને આંતરરાષ્ટ્રીય નાણાકીય લેવડ-દેવડ નિર્દેશની આ વ્યવસ્થામાંથી બહાર કરવા માગ કરી હતી.તેમનું માનવું છે કે અન્ય આર્થિક પ્રતિબંધોની સરખામણીમાં સ્વિફ્ટમાંથી બહાર કાઢવાથી રશિયાના અર્થતંત્રને વધુ નુકસાન થશે.
સ્વિફ્ટમાંથી રશિયાની પસંદગીની બેન્કોની હકાલપટ્ટી કરાશે : અમેરિકા

Leave a Comment