સુરત : સુરતની સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ કચેરીમાંથી પાંચ વર્ષ અગાઉ સ્વૈચ્છીક નિવૃત થયેલા ડીસ્ટ્રીકટ ઇન્સ્પેકટરની રૂ.22.59 લાખની અપ્રમાણસર મિલ્કત મળતા એસીબીએ ગતરોજ ગુનો દાખલ કરી આજરોજ ડીસ્ટ્રીકટ ઇન્સ્પેકટર અને પુત્રની ધરપકડ કરી હતી.ડીસ્ટ્રીકટ ઇન્સ્પેકટર વિઠ્ઠલભાઇ ડોબરીયાએ પુત્ર વિપુલ સાથે મળી વતન કેશોદમાં બે ફ્લેટ,જમીન અને ટાટા સફારીની ખરીદી કરી હતી.
એસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ માર્ચ 2017 માં સ્વૈચ્છીક નિવૃત થયેલા અને 1 એપ્રિલ 2013 થી 31 માર્ચ 2017 દરમિયાન સુરતની સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ કચેરીમાં ડીસ્ટ્રીકટ ઈન્સ્પેકટર(લેન્ડ રેકર્ડ)તરીકે ફરજ બજાવતા વિઠ્ઠલભાઇ ખીમજીભાઇ ડોબરીયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર આચરી અપ્રમાણસર મિલકતો વસાવ્યાની પ્રાથમિક તપાસ એસીબીએ શરૂ કરી હતી.તપાસમાં ખુલાસો થયો હતો કે વિઠ્ઠલભાઇએ પુત્ર વિપુલની મદદથી સ્થાવર અને જંગમ મિલકતોમાં રોકાણ કરી અપ્રમાણસર મિલ્કત વસાવી છે.તે અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન આવકના સ્ત્રોત કરતા 59.94 ટકા જેટલી વધુ રૂ.22,58,806 ની અપ્રમાણસર મિલ્કત વસાવી હતી.આથી એસીબીએ ગતરોજ ગુનો નોંધ્યો હતો.
એસીબીએ આજરોજ આ ગુનામાં હાલ નિવૃત્ત જીવન ગાળતા વિઠ્ઠલભાઇ ખીમજીભાઇ ડોબરીયા(ઉ.વ.63)અને તેમના પુત્ર વિપુલ(બંને રહે.ફલેટ નં.103-104,શુભમ હાઇટસ,મહેશ નગર,એસ.ટી.ડેપો પાસે, કેશોદ,જી.જુનાગઢ)ની ધરપકડ કરી હતી.એસીબીની તપાસમાં જાણવા મળ્યું હતું કે વિઠ્ઠલભાઇએ આવકના સ્ત્રોત સિવાય મેળવેલી રકમ પુત્ર વિપુલના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી બાદમાં તેના નામે મિલ્કત ખરીદી હતી.વિઠ્ઠલભાઇ ડોબરીયાએ પુત્ર વિપુલ સાથે મળી વતન કેશોદમાં બે ફ્લેટ,જમીન અને ટાટા સફારીની ખરીદી કરી હતી. એસીબીની તપાસમાં તેવું પણ જાણવા મળ્યું હતું કે વિઠ્ઠલભાઇ ડોબરીયાએ સ્વૈચ્છીક નિવૃતી લીધા બાદ પણ મોટા પાયે મિલ્કતની ખરીદી કરી છે.વધુ તપાસ એસીબી પીઆઈ દેસાઈ કરી રહ્યા છે.

