- આરોપીને કેપીટલ પનીશમેન્ટ કરવા સરકાર પક્ષની માગ, ભોગ બનનાર બાળકીના પરિવારને વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર ચુકવવા માગ
- સરકાર પક્ષે કેસ કાર્યવાહીની પાંચ જ મુદતમાં કુલ 43 પૈકી રીપિટેડ 14 સાક્ષી ડ્રોપ કરીને કુલ મહત્વના 29 સાક્ષી તપાસીને કેસ સાબિત કર્યો
-સુરત,ગુરૂવાર : ગયા એપ્રિલ માસમાં હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર પાંચ વર્ષની બાળકીને બદકામના ઈરાદે લલચાવી ફોસલાવીને અવવારુ જગ્યાએ લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી હત્યા કરનાર મધ્યપ્રદેશના વતની એવા 27 વર્ષીય આરોપી યુવાન સુજીત મુન્ની લાલને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાએ તમામ ગુનામાં દોષી ઠેરવી આરોપીનો ચુકાદો 29 ડિસેમ્બર સુધી મુલત્વી રાખ્યો છે.
હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરીવારની પાંચ વર્ષની બાળકીને ગત એપ્રિલ 2021ના રોજ મૂળ મધ્યપ્રદેશના રીવા જીલ્લાના વતની 27 વર્ષીય આરોપી સુજીત મુન્નીલાલ સાકેત બદકામના ઈરાદે લલચાવીને વાલીપણાના કબજામાંથી અપહરણ કરીને અવાવરું જગ્યાએ લઈ ગયો હતો.આરોપીએ ભોગ બનનાર બાળકી સગીર હોવાનું જાણવા છતાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરીને હત્યા કરી નાસી છૂટ્યો હતો.બીજી તરફ માસુમ બાળકી ગુમ થઈ જતા શોધવા છતાં ન મળતાં ભોગ બનનાર માતા પિતાએ હજીરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જેથી હજીરા પોલીસે ભોગ બનનાર બાળકી પર દુષ્કર્મ આચરીને હત્યા કરેલી લાશ અવાવરું જગ્યાએ શોધી કાઢી વધુ તપાસ હાથ ધરી હતી.જે દરમિયાન આરોપી સુજીત સાકેતની તા.1-5-21ના રોજ અપહરણ, દુષ્કર્મ,હત્યા તથા પોક્સો એકટના ભંગ બદલ ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.હજીરા પોલીસે નિયત કરતાં વહેલું ચાર્જશીટ રજૂ કરતા
સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નતન સુખડવાલાએ આરોપી સામે ચાર્જફ્રેમની કાર્યવાહી આટોપી દસ્તાવેજી પુરાવાનું લીસ્ટ રજુ કર્યું હતું.સરકાર પક્ષે આરોપી સામેની સ્પીડી ટ્રાયલ ચલાવી માત્ર પાંચ જ કેસ કાર્યવાહીની મુદતમાં કુલ 43 પૈકી મહત્વ ના 29 સાક્ષી ની જુબાની લઈને કેસ કાર્યવાહી પૂરી કરી હતી.જેથી બંને પક્ષોની દલીલો તથા આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ બાદ કોર્ટે આરોપી વિરુદ્ધ બે તબક્કામાં મુલત્વી રાખેલો ચૂકાદો આજે જાહેર કર્યો હતો.કોર્ટે બપોરના કોર્ટ રીસેસ બાદ સરકાર પક્ષે આરોપી સામેનો કેસ નિ:શકપણે સાબિત કરતાં આરોપીને તમામ આક્ષેપિત ગુનામાં દોષી ઠેરવ્યો હતો. ત્યારબાદ બાદ સરકાર પક્ષે આરોપી વિરૂધ્ધનો કેસ રેરેસ્ટ ઓફ રેરા શ્રેણીમાં પડતો હોઈ આરોપીને આજીવન કેદની સજા ઓછી ગણાય તેમ હોય સમાજમાં દાખલો બેસાડવા આરોપીને મહત્તમ ફાસીની સજાની માંગ કરી હતી.
જ્યારે આરોપીના બચાવ પક્ષે આરોપીની નાની વય તથા વૃદ્ધ માતાપિતાની જવાબદારીને ધ્યાનમાં લઈને સજામાં રહેમની ભીખ માંગી ખોટી સંડોવણી કરી હોવાનું જણાવ્યું હતું.


