સુરત : તા.1 જુલાઈ 2022,શુક્રવાર : હજીરાની અદાણી કંપનીના હાઉસકીપરના સેલેરી એકાઉન્ટ નંબર મેળવી ગુગલ પે થકી રૂ.3.31 લાખ ઉપાડી લેનાર સહકર્મી વિરૂધ્ધ હજીરા પોલીસમાં આઇટી એક્ટ હેઠળ છેતરપિંડીની ફરીયાદ નોંધાય છે.હજીરાની અદાણી કંપનીના કોલ યાર્ડનો હાઉસકીપર અંકિત હસમુખ પટેલ(ઉ.વ.26 રહે.સીંગોતર માતાના મંદિર પાછળ,માતા ફળીયું,હજીરા,તા.ચોર્યાસી,જિ.સુરત)ડ્યુટી દરમિયાન પોતાનો મોબાઇલ ફોન ચાર્જીગ માટે કંપનીના વે બ્રિજ નં. 8 માં મુકતો હતો.આ તકનો લાભ લઇ વે બ્રિજ પર નોકરી કરતા રવિકુમાર વિજયસિંહ(રહે.એમ.ક્યુ 458,સુભાષનગર,આમ્લો ગામ,તા.બેરમો,જિ.બોકારો)એ યુ.પી.આઇ દ્વારા રૂ. 3.31 લાખ વિડ્રોલ કરી લીધા હતા.ગત ફેબ્રુઆરી મહિનામાં અંકિતે મોબાઇલ એપ્લિકેશનમાં બેલેન્સ ચેક કરતા ઝીરો બેલેન્સ જોઇ ચોંકી ગયો હતો. અંકિતે બેંક સ્ટેટમેન્ટ કઢાવ્યું ત્યારે રવિકુમારના એકાઉન્ટમાં રોકડ ટ્રાન્સફર થઇ હોવાનું જાણવા મળ્યું હતું.ઘટના અંગે અંકિતે હજીરા પોલીસમાં રવિકુમાર વિરૂધ્ધ આઇટી એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવી હતી.