બારડોલી : તાપી જિલ્લાના નિઝર તાલુકાનાં જુના અંતુલી ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીના પાણીમાંથી આજરોજ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.જ્યારે બીજી તરફ હથોડા ગામની સીમમાં તાપી નદીના પાણીમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બંને યુવાનોના મૃતદેહ કબ્જે લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાનાં જુના હથોડા ગામેથી પસાર થતી તાપી નદીના પાણીમાંથી રાજેન્દ્ર પંડલીક પવાર (રહે, નંદુરબાર, જગતાપવાડી, મહારાષ્ટ્ર) નો મૃતદેહ મળી આવ્યો હતો.જેનું નદીના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હોવાનું જાણવા મળે છે.જ્યારે બીજી તરફ નિઝર તાલુકાનાં જુના અંતુલી ગામની સીમમાં તાપી નદીના પાણીમાંથી કુંદનસિંહ ચતુરસિંહ પરમાર (રહે, અંતુલીગામ, તળાવ ફળિયું) નો મૃતદેહ મળી આવ્યો હતો.ઘટનાની જાણ થતાં નિઝર પોલીસ સ્ટાફના માણસો સ્થળ ઉપર પહોંચી મૃતદેહનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.