રાજ્યમાં 21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થયું છે.ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ પોતાના નગરપાલિકા,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોને જીતાડવા માટેના પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકો અલગ-અલગ જગ્યા પર જઈને પ્રચાર કરી રહ્યા છે.ત્યારે પાટણમાં રવિવારના રોજ કેબીનેટમંત્રી દિલીપ ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સભા પાટણના ધધાણામાં યોજવામાં આવી હતી. આ સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા અને આગેવાનો હાજર રહ્યા હતા.
તો બીજી તરફ ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે પણ ભાજપને નહીં મત આપો તો મા ખોડિયાર માફ નહીં કરે અને સભાને સંબોધતા સમયે અંતમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવાની અપીલ લોકોને કરી હતી.ત્યારે મંત્રી દિલીપ ઠાકોરના આ નિવેદનને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
રોજગાર અને શ્રમ મંત્રી દિલીપ ઠાકોરે સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે,એક મત કમળને આપવાનો,બીજો મત પણ તાલુકા પંચાયતમાં પણ કમળને આપવાનો.ક્યાય કોઈ ઉપર નીચે કરવાની દિશામાં આગળ વધતા નહીં અને એ કામ કરવાની દિશામાં આગળ વધશો તો મા વરાણાવાળી ખોડિયાર તમને કદાપી માફ નથી કરવાની એટલા માટે એક બાજુ રહીને મત આપવા હોય તો બંને ઉમેદવારને મત આપો.નહીં તો કોંગ્રેસમાં મત આપીને આગળ વધો તે દિશામાં આપણે આગળ વધીએ.
ભાજપ સરકારના મંત્રી દિલીપ ઠાકોરે કરેલા આ બફાટનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.મંત્રી દિલીપ ઠાકોરે તો ચૂંટણીમાં પ્રચારમાં ભગવાનને પણ વચ્ચે લાવી દીધા હતા.તેમનું કહેવું એવું હતું કે,તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારને જ મત આપવાની દિશામાં કામ કરવાનું અને કોઈ ઉપર નીચે કરવાની દિશામાં આગળ વધશો તો મા ખોડિયાર માફ નહીં કરે છે.એટલે હવે ભાજપને મત નહીં આપો તો માતાજી પણ માફ નહીં કરે તેવું નેતાજીનું કહેવું છે.પાટણમાં મંત્રી દિલીપ ઠાકોરે કરેલા નિવેદનને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે.અત્યાર સુધી નેતાઓ વિકાસના નામે મત માગતા હતા પણ હવે નેતાઓ માતાજી માફ નહીં કરે કહીને લોકોની ધાર્મિક લાગણીને વચ્ચે લાવીને મત માગી રહ્યા છે.