સુરત : રીંગરોડની ન્યુ ટેક્સટાઇલ માર્કેટના વેપારી પાસેથી હરિયાણા રોહતકના એચ.એસ એન્ડ સન્સ એન્ટરપ્રાઇઝ નામે ધંધો કરતા દહીયા ભાઇઓએ ડ્રેસ મટીરીયલ્સ ખરીદી રૂ.12.92 લાખનું પેમેન્ટ આજ દિન સુધી નહીં ચુકવી વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ સલાબતપુરામાં નોંધાય છે.રીંગરોડની ન્યુ ટેક્સટાઇલ માર્કેટમાં જય લક્ષ્મી સિલ્ક મીલ્સ નામે દુકાન ધરાવતા રાજબીર પંજાબસિંહ ગ્રેવલ(ઉ.વ.45 રહે.ભગવતીકૃપા રેસીડન્સી,ભટાર ચાર રસ્તા,સુરત)નો વર્ષ 2014માં હરિયાણાના રોહતક ખાતે એચ.એસ.એન્ડ સન્સ એન્ટરપ્રાઇઝ નામે ધંધો કરતા જીતેન્દ્રકુમાર હુકમસિંહ દહીયા સાથે પરિચય થયો હતો.
જીતેન્દ્રસિંહે પોતાના નાના ભાઇ સોનુ હુકમસિંહ દહીયા સાથે ધંધો કરે છે એમ કહી સમયસર પેમેન્ટ ચુકવવાનો વાયદો કરી ફેબ્રુઆરી 2018 થી નવેમ્બર 20219 દરમિયાન રૂ.21.17 લાખનું ડ્રેસ મટીરીયલ્સ ખરીદયું હતું.જે પૈકી રૂ.8.24 લાખનું પેમેન્ટ ચુકવ્યું હતું.પરંતુ બાકી પેમેન્ટના રૂ.12.92 લાખ ધંધામાં મંદી ચાલે છે,પાર્ટી પાસેથી પેમેન્ટ આવ્યું નથી એમ કહી વાયદા પર વાયદા કરી આજ દિન સુધી પેમેન્ટ નહીં ચુકવી દુકાનને રાતોરાત બંધ કરી દીધી હતી.