નવી દિલ્હી, તા.૨૯ : આઇપીએલમાં બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ તરફથી ધૂમ મચાવી રહેલા ગુજરાતના ફાસ્ટ બોલર હર્ષલ પટેલે તેના સંઘર્ષના દિવસોને યાદ કરતાં કહ્યું હતુ કે, ૧૭ વર્ષની વયે હું પરિવારની સાથે અમેરિકામાં સ્થાયી થવા માટે ગયો હતો.ત્યાંનું જીવન ખુબ જ મુશ્કેલ અને પડકારોથી ભરેલું હતુ.હું ન્યૂજર્સીના એલિઝાબેથમાં એક પાકિસ્તાની વ્યક્તિની અત્તરની દુકાનમાં કામ કરતો.જ્યાં હું દિવસના ૧૨ થી ૧૩ કલાક કામ કરતો અને તેના બદલામાં મને માત્ર ૩૫ ડોલર જ મળતાં.વર્ષ ૨૦૧૮માં હર્ષલને દિલ્હીની ટીમે માત્ર ૨૦ લાખની બેઝ પ્રાઈઝ સાથે કરારબદ્ધ કર્યો હતો.જોકે હર્ષલે છેલ્લા કેટલાક વર્ષોમાં શાનદાર દેખાવ સાથે આગવું આકર્ષણ ઉભું કર્યું હતુ.તેણે ગત સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપતાં પર્પલ કેપ મેળવી હતી.આઇપીએલની આ સિઝનની હરાજીમાં બેંગ્લોરે તેને રૃપિયા ૧૦.૭૫ કરોડમાં કરારબદ્ધ કર્યો હતો.
હર્ષલે એક શૉમાં કહ્યું કે, ૧૭ વર્ષની ઉંમરે હું મારા પરિવાર સાથે અમેરિકા સ્થાયી થયો હતો.તે સમય મારા માટે ખુબ જ મુશ્કેલ હતો.હું ગુજરાતી માધ્યમમાં ભણ્યો હોવાથી મને અંગ્રેજી બોલતા આવડતું નહતુ.જોકે થોડા સમયમાં હું ભાંગીતુટી અંગ્રેજી બોલતા શીખી ગયો હતો.મારા અંકલ-આન્ટી સવારે ૭ વાગ્યે મને એલિઝાબેથ મૂકી જતાં.ત્યાં હું બે કલાક રેલ્વે સ્ટેશને બેસી રહેતો અને ૯ વાગ્યે સ્ટોર ખુલતાં જ કામે લાગી જતો.હું સાંજે સાડા સાત-આઠ સુધી કામ કરતો.આશરે ૧૨-૧૩ કલાક કામ કરવાના મને ૩૫ ડોલર મળતાં.
અલબત્ત, હર્ષલ અગાઉ ગુજરાતમાં જુનિયર ક્રિકેટ રમી ચૂક્યો હતો.જેના કારણે તેના પરિવારજનોએ તેને ક્રિકેટર તરીકેની કારકિર્દી આગળ ધપાવવા માટે ભારત પાછો મોકલ્યો. જોકે તેને કહ્યું કે, તું એવું કશું ના કરતો કે અમારે મુશ્કેલીમાં મુકાવું પડે.મેં તેમના શબ્દો ગાંઠે બાંધી લીધા.હું નિયમિત રીતે (અમદાવાદના) મોટેરા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવા જતો. સવારે ૭ થી ૧૦ વાગ્યા સુધી પ્રેક્ટિસ કરતો અને ત્યાર બાદ સાદી આલુમટર કે વેજીટેબલ સેન્ડવિચ ખાતો કારણ કે તે માત્ર ૭ રુપિયામાં જ આવતી.જ્યારે ગ્રીલ (ટોસ્ટેડ) સેન્ડવીચ મોંઘી હતી અને ૧૫ રૃપિયામાં મળતી.હર્ષલે કહ્યું કે, ૨૦૧૮ની હરાજીમાં મને ૨૦ લાખની બેઝપ્રાઈઝમાં દિલ્હીની ટીમે કરારબદ્ધ કર્યો હતો.હરાજી અગાઉ જુદી-જુદી ફ્રેન્ચાઈઝીના ત્રણ-ચાર લોકોએ કહ્યું હતુ કે, અમે તારા માટે બોલી લગાવીશું, પણ કોઈએ બોલી લગાવી નહતી.ત્યારે મને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો.આ સમય મારા માટે ખુબ જ પડકારજનક હતો.
હર્ષલે કહ્યું કે, મારા ભાઈએ મને કહ્યું હતુ કે, હરાજીમાં તારે તારી સેવાઓ ઓફર કરવાની હોય છે અને તેઓ તેના પર બોલી લગાવે છે.તારી પાસે બે જ વિકલ્પ છે.તું તારી રમતમાં સુધારો કર.તેને વધુ બહેતર બનાવ.નહીંતર હાલની પરિસ્થિતિમાં જ યથાવત્ રહેે, જ્યાં લોકોને તારી સેવા લેવામાં રસ નથી.મેં તેની વાતને ગંભીરતાથી લીધી અને મારી રમતને સુધારતાં વધુ કૌશલ્યપૂર્ણ ખેલાડી બનવા માટે મહેનત શરૃ કરી.૨૦૧૮ની હરાજી બાદ મેં નક્કી કર્યું કે, જ્યારે બેસ્ટ ૧૧ ખેલાડીઓની યાદી તૈયાર થાય તેમાં મને આપમેળે જ સ્થાન મળવું જોઈએ.તેના જ ફળ સ્વરૃપ આજે હું તમારી સામે છું.હું માની શકતો નથી કે, મેં ૧૫ આઇપીએલ મેચમાં ૩૨ વિકેટ લીધી હતી.