રાજકોટ, તા.15 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને હજુ પંદર મહિના જેટલો સમય બાકી છે. જો કે રાજકીય પક્ષો માટે આટલો સમય બહુ ઓછો ગણાતો હોવાને કારણે બને એટલા ઝડપથી સોગઠાં ગોઠવવાનું શરૂ કરી દેવાતું હોય છે.અત્યાર સુધી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ટક્કર થતી આવી છે પરંતુ હવે તેમાં આમ આદમી પાર્ટી નામના ત્રીજા પક્ષે એન્ટ્રી કરી લીધી છે.દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગઈકાલે અમદાવાદની મુલાકાતે આવીને વિધાનસભા ચૂંટણીની તમામ 182 બેઠક ઉપર ચૂંટણી લડવાનું એલાન કરતાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
બીજી બાજુ અમદાવાદથી દિલ્હી પરત ફર્યા બાદ તેમણે રાજુલાના કોંગ્રેસી ધારાસભ્ય અંબરીશ ડેર સાથે લાંબી ટેલિફોનિક ચર્ચા કરી હોવાનું બહાર આવતાં રાજકીય ક્ષેત્રે તરેહ-તરેહની ચર્ચાએ જોર પકડી લીધું છે.આ અંગે જાણવા મળતી વિગતો મુજબ કેજરીવાલે અમદાવાદની મુલાકાત લીધા બાદ દિલ્હી પરત ફરીને તુરંત જ અંબરીશ ડેરને ફોન કર્યો હતો.ચર્ચા તો એવી પણ છે કે બન્ને વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત દરમિયાન કેજરીવાલે ડેરને આમ આદમી પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ પણ આપ્યું હતું.
આ ઉપરાંત બન્ને વચ્ચે ગુજરાતમાં ચાલી રહેલા રાજકીય મુદ્દાઓને પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી.એકંદરે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી બાદ નવા રાજકીય સમીકરણો મંડાવાનું શરૂ થઈ ગયું છે અને હવે આમ આદમી પાર્ટીનું કોંગ્રેસના ધારાસભ્યો ઉપર નિશાન હોવાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે.રાજકીય પંડિતો તો એવું પણ જણાવી રહ્યા છે કે આગામી સમયમાં ‘આપ’ દ્વારા કોંગ્રેસના અન્ય ધારાસભ્યોનો સંપર્ક કરીને તેમને ‘આપ’મય કરવામાં આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિખવાદ પણ ચાલી રહ્યો છે અને ધારાસભ્યના બે જૂથ પડી ગયા હોવાની પણ ચર્ચા જોર પકડી રહી છે બરાબર તેવા સમયે જ આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં નારાજ ધારાસભ્યો તેનો પાલવ પકડે તેવી સંભાવનાએ પણ જોર પકડી લીધું છે.હવે આગામી સમયમાં ગુજરાતમાં કેવા-કેવા રાજકીય સમીકરણો રચાય છે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે.કેજરીવાલે ડેરનો સંપર્ક સાધ્યાની વાત બહાર આવતાં કોંગ્રેસ છાવણીમાં ખલબલી મચી જવા પામી હતી.
અત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો મારો કોઈ વિચાર નથી: રેલવે સામે ચાલી રહેલા આંદોલન અંતર્ગત હું ઉપવાસ પર બેઠો હોવાથી તેમણે મારા હાલચાલ જાણ્યા’તા: અંબરીશ ડેર
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતની મુલાકાત બાદ દિલ્હી પહોંચીને રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરનો ટેલિફોનિક સંપર્ક સાધ્યા બાદ અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડી લીધું છે ત્યારે વાતચીતમાં અંબરીશ ડેરે ચોખવટ કરતાં જણાવ્યું કે કેજરીવાલ તેમના જૂના મિત્ર છે અને મિત્રતાના દાવે જ તેમણે તેમનો ટેલિફોનિક સંપર્ક સાધીને તેમની તબિયત વિશે પૃચ્છા કરી હતી.
ધારાસભ્ય અંબરીશ ડેરે વધુમાં જણાવ્યું કે હું રેલવે સામે આઠ દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહ્યો છું.આંદોલનનો ગઈકાલે આઠમો દિવસ હતો અને તેની જાણ કેજરીવાલને થયા બાદ તેમણે મારા હાલચાલ પૂછવા માટે ટેલિફોન પર મારો સંપર્ક સાધ્યો હતો.અમારા વચ્ચે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જવા વિશે નાની અમથી પણ ચર્ચા થઈ નથી અને અત્યારે મારો આમ આદમી પાર્ટીમાં જોડાવાનો કોઈ ઈરાદો પણ નથી. ગુજરાતમાં 182 ધારાસભ્યો છે
પણ તેમાંથી અંબરીશ ડેરનો જ સંપર્ક શા માટે સાધવામાં આવ્યો ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં અંબરીશ ડેરે કહ્યું કે આ 182 ધારાસભ્યમાંથી અત્યારે એકમાત્ર હું જ આંદોલન ચલાવી રહ્યો હોવાને કારણે તેમણે મારો સંપર્ક સાધ્યો છે. આ માત્ર ‘કર્ટસી’ કોલ હોવાનું જણાવી ડેરે ઉમેર્યું કે મારું ધ્યાન અત્યારે લોકોપયોગી કામ કરવા ઉપર કેન્દ્રીત છે.મારો આમ આદમી પાર્ટીમાં જોડાવાનો કોઈ ઈરાદો નથી અને હું તેમજ કેજરીવાલ મીત્ર હોવાને કારણે જ તેમણે મારો સંપર્ક સાધ્યો હતો.


