– આવનારી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાને લઈ બદલીઓનો દોર થશે
– થોડા જ દિવસો પૂર્વે એક સાથે 20 IPSની બદલી-બઢતીનો નિર્ણય લેવાયેલો
– બદલી પાછળ હંમેશા રાજકીય પરિબળ ભાગ ભજવી જતું હોય છે
વિધાનસભા ચૂંટણી પૂર્વે 3 વર્ષથી એક જ સ્થળે સેવારત અધિકારીઓને અન્યત્રે ખસેડવા ભારતના મુખ્ય ચૂંટણી પંચની સુચનાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે.આગામી દિવસોમાં સીનીયર IAS અને IPS સ્તરે મોટાપાયે ફેરફારનો વધુ એક રાઉન્ડ આવશે તેમ મનાય છે.અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ શહેરના પોલીસ કમિશન તેમજ રાજયના નવ રેન્જ IGPની બદલીઓ થવાની શકયતા છે.જયારે IAS અધિકારીઓના ફેરફાર થાય તેમ છે.આગામી દિવસમાં વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને મોટાપાયે બદલીઓ- બઢતીઓ થશે.થોડા દિવસો પહેલા 18મી સપ્ટેમ્બરે પણ રાજ્યના ગૃહ વિભાગે 20 IPS અધિકારીઓની બઢતી અને બદલીના હુકમો કર્યા હતા.તે જ અરસામાં સરકારે 82 ડીવાયએસપીની પણ બદલીઓનો નિર્ણય લીધો હતો.અલબત્ત, જ્યારે 20 IPSની બદલીઓ થઈ ત્યારે એડીજીપી આર.બી.બ્રહ્મભટ્ટ,બ્રિજેશકુમાર ઝા,વીરેન્દ્રસિંહ યાદવ,અજિત રંજન,સાફીન હસન જેવા અધિકારીઓની પણ બદલી-બઢતી કરવામાં આવી હતી.
વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ પૂર્વે આ પ્રકારે મોટાપાયે IPS-IAS અધિકારીઓની બદલીઓ એ સામાન્ય બાબત ગણાવાય છે.પરંતુ, આ બદલીઓમાં પણ રાજ્ય સરકાર દ્વારા ચૂંટણીના પરિપ્રેક્ષ્યને તથા જે તે જિલ્લાના અનેક વિસ્તારોની સંવેદનશીલતાને પણ ધ્યાને લેવામાં આવતી હોય છે.ચૂંટણી પંચની માર્ગદર્શિકાના પરિણામે બદલીઓનો ગંજીફો ચિપાય છે પરંતુ દરેક અધિકારીની બદલી પાછળ હંમેશા રાજકીય પરિબળ ભાગ ભજવી જતું હોય છે તે બ્યૂરોક્રસીમાં સર્વસ્વિકૃત હકીકત છે.