રાયપુર, તા. 28 માર્ચ 2023 મંગળવાર : છત્તીસગઢના રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદને વિધાનસભામાં પસાર છત્તીસગઢ જુગાર પ્રતિબંધ બિલ 2022 ને મંજૂરી આપી દીધી છે.આ બિલ જાન્યુઆરી વિધાનસભાના શિયાળુસત્રમાં પસાર થયુ હતુ.નવા બિલમાં ઓનલાઈન સહિત તમામ પ્રકારના ઓફલાઈન જુગારમાં સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.જેમાં 3 વર્ષ સુધીની સજા અને 5 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.નવા બિલમાં જુગારની જુદી-જુદી વ્યાખ્યા કરીને સજા અને દંડ બંનેની જોગવાઈ કરવામાં આવી છે.
આ છે કાયદાકીય જોગવાઈ
ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં જુગારની જાહેરાત દર્શાવી શકાશે નહીં.તેનું ઉલ્લંઘન કરવા પર 3 વર્ષની જેલ અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકારાશે.ઓનલાઈન જુગાર રમતા અને રમાડનારા પર પહેલી વખત એકથી ત્રણ વર્ષ સુધીની સજા અને 50 હજારથી 5 લાખ રૂપિયા સુધીનો દંડ.બીજીવાર પકડાઈ જવા પર બેથી સાત વર્ષની સજા અને 1 લાખથી 10 લાખ રૂપિયા સુધીનો દંડ.ઓનલાઈન જુગારમાં બેન્ક ખાતાધારક પર છ મહિનાની સજા અને 10 હજાર રૂપિયા દંડ.આ કાયદામાં લોટરીને સામેલ કરવામાં આવી નથી.આ કાયદો કૌશલ્ય માટે રમવામાં આવેલી કોઈ રમતમાં લાગુ નહીં થાય પરંતુ તક અને નસીબની રમતો પર જ લાગુ થશે.સાર્વજનિક માર્ગો અને સ્થળો પર જુગાર રમવા પર છ મહિનાની સજા. સાથે જ 3 થી દસ હજાર રૂપિયા સુધીનો દંડ.જુગારઘરનો માલિક કે તેને ચલાવનાર પર પહેલીવાર છ થી 3 વર્ષ સુધીની સજા અને 50 હજાર રૂપિયા દંડ.બીજી વખત પકડાઈ જવા પર બેથી પાંચ વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ.વર્લી,મટકા પર પહેલીવાર છથી ત્રણ વર્ષ સુધીની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ.બીજી વખત પકડાઈ જવા પર એકથી પાંચ વર્ષની સજા અને 50 હજારનો દંડ.