– લોકોના આશીર્વાદે મને પણ યુપીવાળો બનાવી દીધો : પીએમ
– સ્ત્રીશક્તિ ભાજપના વિજયરથની સારથી બની : જ્યાં-જ્યાં માતા-બહેનોનું મતદાન વધારે ત્યાં-ત્યાં ભાજપનો પ્રચંડ વિજય
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરોએ મને વચન આપ્યું હતું કે આ વખતે હોળી દસમી માર્ચે શરૂ થશે અને તેઓએ તે પાળી બતાવ્યું છે.ભાજપના કાર્યકરોએ દિવસરાત મહેનત કરીને ચાર રાજ્યોમાં ભાજપને વિજયી બનાવ્યું.દિલ્હીમાં ભાજપના મુખ્યમથકે કાર્યકરોને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે લોકોએ સરકારની યોજનાઓ અને નીતિ પર મ્હોર મારી છે.
તેમણે જણાવ્યું હતું કે અમે યોજનાઓની ડિલિવરી સિસ્ટમને ઠીક કરી છે.હું છેવાડાના માનવીના ઘેર સુધી ફાયદો પહોંચાડયા વગર બેસવાનો નથી.યોજનાઓને ગરીબ સુધી પહોંચાડવા માટે બહુ હિંમતની જરૂર પડી,પરંતુ મેં આ કરી બતાવ્યું.અમારૂં સૌભાગ્ય છે કે ભાજપને મહિલાઓએ મોટાપાયે મત આપ્યા છે.સ્ત્રીશક્તિ ભાજપની સારિથ બની છે.
આમ મા બહેનો સતત ભાજપ પર વિશ્વાસ મૂકી રહી છે.તેમણે જણાવ્યું હતું કે હું નિષ્ણાતોને કહું છું કે તેઓ ઉત્તરપ્રદેશની પ્રજાને જાતિવાદી દ્રષ્ટિકોણથી જોવાનું બંધ કરે.કેટલાય લોકો યુપીને તેમ કહી બદનામ કરે છે કે અહીં ફક્ત જાતિ ચાલે છે.પણ રાજ્યની પ્રજાએ 2014, 2017, 2019 અને 2022માં ફક્ત વિકાસવાદનું રાજકારણ જ પસંદ કર્યુ છે.
લોકોએ બતાવી દીધું છે કે જાતિનું માન દેશને જોડવા માટે હોય તોડવા માટે નહીં.તેમણે જણાવ્યું હતું કે યુપીના લોકોના પ્રેમ અને આશીર્વાદે મને યુપીવાળો બનાવી દીધો છે.બનારસના સાંસદ હોવાના લીધે કહી શકું છુંકે રાજ્યના લોકોએ સમજી લીધું છે કે ભ્રષ્ટાચારી અને માફિયાથી દૂર રહેવાનું છે.ચૂંટણી પરિણામ આગામી 25 વર્ષો માટે દેશનો મિજાજ નક્કી કરે છે.

