ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ પહેલાં આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી છે. દિલ્હી મહાનગર પાલિકા (MCD) ચૂંટણીના પરિણામ સાથે દિલ્હીમાં હવે ડબલ એન્જિનની સરકાર ચાલવા જઈ રહી છે. MCD માં આમ આદમી પાર્ટીએ 133 બેઠક જીતી લીધી છે જ્યારે 1 બેઠક પર આગળ ચાલી રહ્યુ છે.જ્યારે ભાજપે 104 બેઠક જીતી છે અને કોંગ્રેસે 9 બેઠક જીતી છે જ્યારે અન્યએ 3 બેઠક મેળવી છે.અગાઉની જો વાત કરવામાં આવે તો 2017માં ત્રણેય મહાનગરપાલિકામાં કુલ 272 બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 181 બેઠક જીતી હતી જ્યારે આમ આદમી પાર્ટીને 49 બેઠક અને કોંગ્રેસને 31 બેઠક મળી હતી. આ વર્ષે પરિસીમન અને ત્રણેય મહાનગરપાલિકાને એક કર્યા બાદ દિલ્હી મહાનગરપાલિકાની કુલ 250 બેઠક પર ચૂંટણી યોજાઇ હતી.દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં 126 બેઠક બહુમત માટે જરૂરી છે.
આમ આદમી પાર્ટીના સારા પ્રદર્શન અને તેની ચૂંટણી રણનીતિથી આ વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે આપના સંયોજક અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમે વડાપ્રધાન મોદીના જ દાંવથી 15 વર્ષથી દિલ્હી મહાનગરપાલિકામાં સત્તામાં રહેલી ભાજપને સત્તામાંથી બહાર ફેકી દીધી છે.આ ડબલ એન્જિનનો દાંવ છે,જેને વડાપ્રધાન મોદીએ અલગ અલગ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં રમ્યો હતો અને જીત મેળવી હતી.
પીએમ મોદી અવાર નવાર ચૂંટણી સભામાં કહેતા હતા કે ડબલ એન્જિનની સરકારથી વિકાસને વધુ ગતિ આપી શકાય છે.આમ આદમી પાર્ટીએ પણ દિલ્હી મહાનગરપાલિકા સાથે જોડાયેલી સમસ્યાને ખાસ કરીને સાફ સફાઇ અને કચરાની સમસ્યાના સમાધાન માટે આ ચૂંટણી દાવનું કાર્ડ રમ્યું હતું.આપ દ્વારા ભાજપશાસિત એમસીડીની ખામી ઉજાગર કરી હતી અને લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે દિલ્હીમાં ડબલ એન્જિનની સરકાર આવી તો દિલ્હી સમસ્યા મુક્ત બની શકે છે.

