મુંબઈ : સાઉથની ફિલ્મોએ બોલિવુડનો બિઝનેસ આંચકી લીધો તે પછી બોલિવુડના સ્ટાર્સ પણ હવે સાઉથનાં માર્કેટ પર ધ્યાન આપવા લાગ્યા છે.હજુ ત્રણ મહિના પછી રજૂ થનારી ફિલ્મ બ્રહ્માસ્ત્ર માટે રણબીર કપૂરે આંધ્રમાં અત્યારથી પ્રમોશન ચાલુ કરી દીધું છે.રણબીર કપૂર અને ફિલ્મના દિગ્દર્શક અયાન મુખર્જી વિશાખાપટ્ટનમ પહોંચ્યા હતા.ત્યાં રણબીરે ઓપન શોમાં રોડ શો પણ કર્યો હતો.સાઉથની સ્ટાઈલથી તેને એક ક્રેઇન દ્વારા ફૂલમાળા પહેરાવવામાં આવી હતી.જોકે,સાઉથની ઈંડસ્ટ્ીના સૂત્રો કહે છે કે આ ઇવેન્ટ વાસ્તવમાં એસ.એસ રાજામૌલી અને કરણ જોહર વચ્ચે થયેલી સોદાબાજીના ભાગરુપે હતી.કરણે હિન્દી બેલ્ટમાં આરઆરઆર ફિલ્મના પ્રમોશન માટે રાજમૌલીને મદદ કરી હતી.હવે રાજમૌલી બ્રહ્માસ્ત્રના પ્રમોશન માટે સાઉથમાં મદદ કરી રહ્યા છે.
જોકે,આ સોદાબાજીના એક જુદા ફણગા રુપે આલિયા ભટ્ટ વિશાખાપટ્ટનમની ઇવેન્ટમાં હાજર રહી ન હતી.હવે રિયલ લાઈફ પતિ પત્ની બની ચુકેલાં રણબીર અને આલિયા રુપેરી પડદે જોડી તરીકે પહેલીવાર આ ફિલ્મથી સાથે આવી રહ્યાં છે.તેમ છતાં પણ રાજમૌલીને ના મળવું પડે તે માટે તેણે વિશાખાપટ્ટનમની આ ઈવેન્ટમાં ભાગ લેવાનું ટાળ્યું હતું.આરઆરઆર ફિલ્મના ફાઈનલ કટ પછી આલિયા ભટ્ટ રાજમૌલીથી બહુ નારાજ થઈ હતી.તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટસ પરથી આરઆરઆરને લગતી તમામ પોસ્ટસ પણ હટાવી લીધી હતી.આથી,તે આ ઈવેન્ટમાં રાજમૌલીનો ભેટો થાય તેવી પરિસ્થિતિ ટાળવા માગતી હતી.