ભોપાલ : અગાઉ છત્તીસગઢના એક અધિકારી યુવકને લાફો મારતાં હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનાને લઇને ભારે વિવાદ ઊભો થયો હતો.હવે મધ્ય પ્રદેશમાં પણ આવી જ ઘટના સામે આવી છે.શાજાપુરમાં એક મહિલા અધિકારીએ કોરોના કર્ફ્યૂ દરમિયાન ખુલ્લી દુકાનમાં હાજર એક યુવકને લાફો માર્યો છે,જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
મધ્ય પ્રદેશના શાજાપુરના એડિશનલ કલેક્ટર મંજૂષા વિક્રાંત રાયનો લાફો મારતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.તેમણે બે દિવસ પહેલાં કોરોના કર્ફ્યૂ દરમિયાન એક શૂઝની દુકાનમાં હાજર યુવકને લાફો માર્યો હતો.દુકાન ખુલ્લી જોતાં એડીએમ ગુસ્સે ભરાયા હતા. વીડિયોમાં મહિલા અધિકારી સાથે કેટલાક પોલીસકર્મી પણ જોવા મળે છે,જે પૂછપરછ કરે છે અને દુકાન બંધ કરાવે છે. આ દરમિયાન જ અધિકારી યુવકને લાફો મારે છે.
ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢમાં પણ આવી જ ઘટના સામે આવી હતી.અહીં સરગુજા સંભાગના સૂરજપુર જિલ્લાના કલેક્ટર રણવીર શર્માએ લોકડાઉન દરમિયાન દવા લેવા નીકળેલા એક યુવકને માર્યો હતો.સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં આ ઘટનાની ઘણી ટિકા થઇ હતી.આ અંગે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે તેમને પદ પરથી દૂર કરવાના આદેશ આપ્યા હતા અને તે યુવક અને તેના પરિવારની માફી માગી હતી.