નવી દિલ્હી તા.5 : કોરોનાકાળમાં લાખો લોકોએ નોકરી ગુમાવ્યા બાદ બેકારીની સમસ્યા વચ્ચે હવે કેન્દ્ર સરકારે નવી રોજગારી સર્જન પર ધ્યાન કેન્દ્રીત કરવાનો વ્યુહ અપનાવ્યો છે આ માટે 23 મંત્રાલયોને એક લાખ કરોડની ફાળવણી કરવામાં આવશે. કોરોનાની થપાટ બાદ રિકવરીના માર્ગે રહેલા અર્થતંત્રને વધુ જોર આપવા તથા બેરોજગારી દુર કરવા આ કદમ ઉઠાવવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારે ગત જુન મહિનામાં કેબીનેટ સચિવ રાજીવ ગૌબાના નેતૃત્વમાં સચિવોની સમિતિનું ગઠન કર્યુ હતું.સચિવ સમિતિએ તમામ મંત્રાલયો હેઠળના વિભાગોને રોકાણ પ્રસ્તાવો વિના વિલંબે મંજુર કરીને અમલી બનાવવા સૂચવ્યું છે.ઉપરાંત અટવાયેલી વિદેશી રોકાણ દરખાસ્તોનો વ્હેલી તકે નિકાલ કરવામાં આવે.ઉદ્યોગ સંવર્ધન તથા આંતરિક વ્યાપાર વિભાગના વિશ્ર્લેષણ પ્રમાણે પેટ્રોલીયમ મંત્રાલયમાં સૌથી વધુ રોકાણના સંજોગો છે.પેટ્રોલીયમ મંત્રાલય હેઠળના વિભાગોમાં 15403 કરોડ,ઈલેકટ્રોનીકસ તથા આઈટી મંત્રાલયમાં 14587 કરોડ,રસાયણ તથા પેટ્રોરસાયણ મંત્રાલયમાં 14241 કરોડના રોકાણની સંભાવના છે.
કોરોના મહામારીને કારણે નવા રોકાણની રફતાર ધીમી પડી જ ગઈ છે.સ્વદેશી કંપનીઓ તથા ઉદ્યોગો નવા રોકાણ કરવા પર સાવચેતી રાખી રહ્યા છે એટલે વિદેશી રોકાણ પર નિર્ભરતા વધી ગઈ છે તેને ધ્યાને રાખીને સરકારે નવી યોજના બનાવી છે જેનો આશય સ્વદેશી કંપનીઓને પણ નવા રોકાણ માટે આગળ વધારવાનો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી વચ્ચે પણ ગત વર્ષે એફડીઆઈ મારફત ઠલવાતા રોકાણમાં 15 ટકાની વૃદ્ધિ થઈ છે.કેન્દ્ર સરકારે ગેસ ક્ષેત્રમાં માળખાગત સુવિધા ઉભી કરવા માટે 2024 સુધીમાં 60 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી છે.ઉદ્યોગ સંવર્ધન તથા આંતરિક વ્યાપાર વિભાગ દ્વારા કુલ 806 રોકાણની સંભાવના વિશે ઓળખ કરવામાં આવી છે અને સંબંધીત મંત્રાલયોને તેનું લીસ્ટ મોકલીને કામગીરીને જોર આપવા સૂચવવામાં આવ્યું છે.સ્ટીલ,હાઉસીંગ, ઉદ્યોગ,વ્યાપાર,આર્થિક બાબતો,કપડા વગેરે મંત્રાલયોને આ લીસ્ટ મોકલવામાં આવ્યું છે.
નવી રોજગારી સર્જવા માટે કેન્દ્ર સરકારે પરંપરાગત ક્ષેત્રો ઉપરાંત નવા ક્ષેત્રોને પણ આગળ ધર્યા છે.પેટ્રોલીયમ મંત્રાલય હેઠળના ગેસ અને રિફાઈનીંગમાં મોટાપાયે રોજગારી ઉભી કરવાનો વ્યુહ છે.સાથોસાથ માઈનીંગ,આરોગ્ય,ઉત્પાદન તથા આઈટી ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં રોજગારી સર્જનનો વ્યુહ છે.અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે દેશમાં રોકાણ વધારવા માટે ગત વર્ષે કોર્પોરેટ ટેકસમાં ઘટાડો કર્યો હતો.પરંતુ કોરોનાને કારણે તેનો લાભ થયો ન હતો.આ પછી સરકારે 13 પીએલઆઈ સ્કીમનું એલાન કર્યુ હતું.

