– સુપ્રીમ કોર્ટમાં સત્તા સંઘર્ષનો મામલો પેન્ડિંગ છે ત્યારે એક વકીલે આ સંબંધિત સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને એકનાથ શિંદે ગ્રુપને આ બધી અસ્કયામતોનો કબજો આપવા કહ્યું
મુંબઈ,તા. 11 એપ્રિલ 2023 મંગળવાર : શિવસેનાભવન પર ક્યારેય દાવો નહીં કરીએ એમ અનેક વખત કહ્યા બાદ એક વકીલે શિવસેનાભવન,શાખા અને પક્ષના ભંડોળ પર સ્ટે મૂકવા માટે ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.અચાનક સુપ્રીમ કોર્ટમાં આ સંબંધે અરજી કરાવાથી ઉદ્વવ ઠાકરે જૂથ ચોંકી ઊઠ્યો છે.
કેન્દ્રીય ચૂંટણી પંચે શિવસેના અને પક્ષનું ચૂંટણી ચિહ્ન એકનાથ શિંદે જૂથને ફાળવ્યાં છે,પણ અત્યારે શિવસેના પક્ષનું ભંડોળ ઉદ્ધવ ઠાકરે પાસે છે.એકનાથ શિંદે જૂથના હાથમાં આ ભંડોળ જાય નહીં એ માટે ઠાકરે જૂથ આ નિધિ બીજે ટ્રાન્સફર કરી શકે છે.આથી શિવસેના પક્ષના ભંડોળના વપરાશ સામે સ્ટે મૂકવાની માગણી સુપ્રીમ કોર્ટમાં અરજી કરનારા વકીલ આશિષ ગિરિએ કરી છે.વકીલ આશિષ ગિરિએ અરજીમાં માગણી કરી છે કે પક્ષના ભંડોળની સાથે શિવસેનાભવન,શિવસેનાની તમામ શાખા અને મિકલતો પર પણ સ્ટે મૂકવામાં આવે. પોતે આ અરજી એકનાથ શિંદે જૂથ વતી નથી દાખલ કરી પણ મહારાષ્ટ્રના એક નાગરિક તરીકે કરી છે.
સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા વિશે વકીલ આશિષ ગિરિએ કહ્યું હતું કે મીડિયામાં શિવસેનાનું ભંડોળ એકનાથ શિંદેના હાથમાં ન આવે એવા પ્રયાસ કરાઈ રહ્યા હોવાના સમાચાર છે.પક્ષનું ભંડોળ બીજે ક્યાંય જાય નહીં એટલા માટે કોર્ટ રિસીવર નિયુક્ત કરીને માલમતા તાબામાં લે,એટલી જ મારી માગણી છે.શિવસેના કોની? એનો સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવ્યા બાદ આ સંપત્તિ જેના પક્ષમાં નિર્ણય આવે એને સોંપવામાં આવે.ચુકાદો ન આવે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે આ બાબતો પર સ્ટે મૂકવો.ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી પર કોઈ દાવો નથી કર્યો.આ મિલકત સાથે શિવસેના પક્ષ સાથે કોઈ સંબંધ નથી. શિવસેના સાથે જોડાયેલા શિવાઈ ટ્રસ્ટ સહિતનાં તમામ સંગઠનનો પક્ષની મિલકતમાં સમાવેશ થાય છે.


