મુંબઈ, તા.૮ : ડુ પ્લેસીસની ૫૦ બોલમાં અણનમ ૭૩ રનની ઈનિંગ બાદ હસારંગાના સ્પિન મેજિક સામે હૈદરાબાદે શરણાગતિ સ્વીકારી લેતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ૬૭ રનથી વિજય થયો હતો.જીતવા માટેના ૧૯૩ના ટાર્ગેટ સામે હૈદરાબાદની ટીમ ૧૯.૨ ઓવરમાં ૧૨૫ રનમાં જ ખખડી ગઈ હતી.રાહુલ ત્રિપાઠીએ ૩૭ બોલમાં ૫૮ રન ફટકાર્યા હતા, પણ તે ટીમને જીતાડી શક્યો નહતો.હસારંગાએ ૪ ઓવરમાં ૧ મેડન સાથે માત્ર ૧૮ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.તેણે માર્કરામ, પૂરણ અને સુચિથની સાથે શશાંક અને ઉમરાનની વિકેટ ઝડપતાં ટીમની જીત નિશ્ચિત કરી હતી.હેઝલવૂડે સતત બે બોલમાં ત્રિપાઠી અને ત્યાગીને આઉટ કર્યા હતા.
બેંગ્લોરના કેપ્ટન ડુ પ્લેસીસે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી.કોહલી ફરી ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતોઅને સુચિથે તેને વિલિયમસનના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.જોકે ડુ પ્લેસીસ અને પાટીદારે ૧૦૫ રનની ભાગીદારી નોંધાવતા ટીમને મુશ્કેલીમાંથી ઉગારી હતી.ડુ પ્લેસીસે ૮ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૫૦ બોલમાં ૭૩* રન કર્યા હતા.પાટીદારે ૪૮ (૩૮ બોલ), મેક્સવેલે ૩૩ (૨૪ બોલ) અને ડી કાર્તિકે ૩૦* (૮ બોલ) રન નોંધાવતા સ્કોરને ત્રણ વિકેટે ૧૯૨ સુધી પહોંચાડયું હતુ.સુચીથે બે વિકેટ ઝડપી હતી.હૈદરાબાદની શરૃઆત સારી રહી નહતી.વિલિયમસન એક પણ બોલનો સામનો કર્યા વિનાના જ શૂન્ય પર રનઆઉટ થયો હતો.અભિષેક શર્મા પણ ખાતું ખોલાવે તે પહેલા મેક્સવેલનો શિકાર બન્યો હતો. ત્રિપાઠીએ ૩૭ બોલમાં ૬ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૫૮ રન સાથે લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેને સામેના છેડેથી સાથ મળ્યો નહતો.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીનું કંગાળ ફોર્મ તેનો પીછો છોડી રહ્યું નથી.હૈદરાબાદ સામેની મેચમાં પણ તે ગોલ્ડન ડક પર આઉટ થયો હતો.કોહલીએ આ સિઝનમાં ત્રીજી વાર ગોલ્ડન ડક નોંધાવ્યું હતુ.કોહલી અગાઉ આઇપીએલમાં ટોપ થ્રી બેટ્સમેનોએ ત્રણ ગોલ્ડન ડક નોંધાવ્યા હોય તેવી બે ઘટના બની છે.રૈનાએ ૨૦૧૩ની સિઝનમાં અને નિતિશ રાણાએ ૨૦૨૦ની સિઝનમાં આવો નાલેશીભર્યો રેકોર્ડ નોંધાવ્યો હતો.
રન હરિફ તારીખ
૦ હૈદરાબાદ ૦૮.૦૫.૨૨
૩૦ ચેન્નાઈ ૦૪.૦૫.૨૨
૫૮ ગુજરાત ૩૦.૦૪.૨૨
૯ રાજસ્થાન ૨૬.૦૪.૨૨
૦ હૈદરાબાદ ૨૩.૦૪.૨૨
૦ લખનઉ ૧૯.૦૪.૨૨
૧૨ દિલ્હી ૧૬.૦૪.૨૨
૧ ચેન્નાઈ ૧૨.૦૪.૨૨
૪૮ મુંબઈ ૦૯.૦૪.૨૨
૫ રાજસ્થાન ૦૫.૦૪.૨૨
૧૨ કોલકાતા ૩૦.૦૩.૨૨
૪૧* પંજાબ ૨૭.૦૩.૨૨