અમદાવાદ : રાજયના પંચાયત વિભાગ હેઠળના ૩૨૨ જેટલા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સને કાયમી કરવા અંગેના ગુજરાત હાઇકોર્ટના હુકમનું પાલન નહી થતાં દાખલ થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં આજે રાજય સરકારના ત્રણ અધિક મુખ્ય સચિવ અને એક ઉચ્ચ અધિકારીને હાઇકોર્ટ રુબરુ હાજર રહેવાની ફરજ પડી હતી.હાઇકોર્ટના હુકમનું પાલન નહી થયુ હોવાથી ચીફ જસ્ટિસ અરવિંદકુમારના વડપણ હેઠળની બેંચે સરકાર તરફથી હાજર આ તમામ ઉચ્ચ અધિકારીઓ વિરુધ્ધ ચાર્જફ્રેમ કરવાની ચીમકી ઉચ્ચારતાં સરકારપક્ષ તરફથી તાત્કાલિક વિચારણા કરી બે સપ્તાહમાં જ આ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સને કાયમી કરવા અંગેના આદેશનું પાલન કરવાની ખાતરી આપવામાં આવી હતી.હાઇકોર્ટના હુકમનું પાલન નહી થતાં કન્ટેમ્પ્ટ કેસમાં સરકારના ત્રણ સચિવો અને અધિકારી હાજર રહ્યા
આ કેસની વિગત એવી છે કે,રાજયના પંચાયત વિભાગ સહિતના સબંધિત વિભાગો હેઠળના ૩૨૨ જેટલા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સને કાયમી કરવાનો અગાઉ હાઇકોર્ટે હુકમ કર્યો હતો.જો કે,સરકારના સત્તાવાળાઓ દ્વારા આજદિન સુધી તેનું પાલન નહી થતાં હાઇકોર્ટમાં નારાજ ૧૨૩ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કસ દ્વારા કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી.
કન્ટેમ્પ્ટ કેસની સુનાવણી દરમ્યાન આજે રાજયના પંચાયત,સામાન્ય વહીવટી વિભાગ અને આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીઓને હાજર રહેવાની ફરજ પડી હતી તો,સરકારના અન્ય એક ઉચ્ચ અધિકારી પણ કોર્ટ રુબરુ હાજર રહ્યા હતા.હાઇકોર્ટના હુકમના પાલનમાં કસૂર બદલ ચીફ જસ્ટિસે ગંભીર નારાજગી વ્યકત કરી આ કન્ટેમ્પ્ટ કેસમાં સરકારના સત્તાવાળાઓ વિરુધ્ધ ચાર્જફ્રેમ કરવાનો હુકમ કરવાની તૈયારી કરતાં સરકારપક્ષ તરફથી અદાલતને બહુ વિનંતી સાથે સમયની માંગ કરાઇ હતી.
જો કે,હાઇકોર્ટે સમય આપવાનો ઇનકાર કરી દીધો હતો.જેથી સરકારપક્ષ દ્વારા કોર્ટરુમમાં જ તાત્કાલિક વિચારણા કરી બે સપ્તાહમાં અરજદાર કર્મચારીઓને કાયમી કરવાની ખાતરી આપવામાં આવી હતી.જેને પગલે હાઇકોર્ટે ચાર્જફ્રેમ કરવાનુ મુલત્વી રાખ્યું હતુ અને કેસની સુનાવણી તા.૨૮મીએ રાખી હતી.


