અમદાવાદ : તા.8 જુલાઈ 2022,શુક્રવાર : ગુજરાત રાજયમાં મોબ લીચીંગ સહિતના વિવિધ મુદ્દાઓ ઉઠાવતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની રિટ અરજી પ્રાથમિક સુનાવણીના તબક્કે જ અરજદારપક્ષને પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી.હાઇકોર્ટે અરજદારપક્ષને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે,તમે પિટિશનમાં જે મુદ્દા ઉઠાવ્યા છે અને રજૂ કર્યા છે તેના અધિકૃત આધાર પુરાવા રજૂ નથી કર્યા, તમારી પીઆઇએલ જનરલ સેન્સમાં રજૂ કરાઇ હોય તેવું પ્રતીત થાય છે.આમ કહી,હાઇકોર્ટે પીઆઇએલ ફગાવી દેવાનું વલણ અપનાવતાં અરજદારને પોતાની જાહેરહિતની રિટ અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી.હાઇકોર્ટે ટકોર કરી કે,પીઆઇએલમાં કોઇ તથ્ય આધારિત અને નક્કર પુરાવાઓ રજૂ કરાયા નથી
અરજદારપક્ષ તરફથી કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં એ મતલબના મુદ્દા ઉઠાવાયા હતા કે,મોબ લીચીંગ,કોમી હિંસા સહિતના સંવેદનશીલ મુદ્દાઓને લઇ સુપ્રીમકોર્ટે મહત્વના આદેશો અને માર્ગદર્શિકાઓ જારી કર્યા છે પરંતુ તેનું ગુજરાત રાજયમાં ચુસ્તપણે પાલન થઇ રહ્યુ નથી.જયારે દેશના બીજા રાજયોમાં સુપ્રીમકોર્ટના આ ચુકાદાઓ અને સંબંધિત માર્ગદર્શિકાઓને લઇ અમલવારી થઇ રહી છે.
કોમી હિંસાના બનાવો વધી રહ્યા છે ત્યારે સરકાર અને તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવાવા જોઇએ પરંતુ આ બાબતમાં જરુરી નિર્ણયો લેવાયા નથી,જેને લઇ સુપ્રીમકોર્ટના ચુકાદાનું પાલન કરવામાં પણ વિલંબ થઇ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.જો કે,હાઇકોર્ટે અરજદારપક્ષને ટકોર કરી કે,તમે જે આક્ષેપો કે રજૂઆત કરી છે તે જનરલ છે,તેના આધાર પુરાવામાં કોઇ તથ્ય આધારિત બાબત રજૂ કરી નથી,તેથી તમારી જાહેરહિતની રિટ અરજી ટકી શકે તેમ નથી.