અમદાવાદ,તા.14 એપ્રિલ 2022, ગુરૂવાર: હાટકેશ્વર બ્રિજની નીચે ગટરો ઉભરાતા હજારો વાહનચાલકો પરેશાન થઇ ગયા છે, ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળતા લોકો માટે મુશ્કેલી સર્જાઇ હતી.
દુર્ગંધ,ગંદકી અને અકસ્માતની શક્યતા વચ્ચે લોકોએ મોંઢે રૂમાલ બાંધીને સાચવીને ધીમી ગતિએ પસાર થવાની ફરજ પડી હતી.હાટકેશ્વર સર્કલથી સીટીએમ તરફ જતા શ્રી છત્રપતિ શિવાજી ઓવરબ્રિજની નીચે મુખ્ય રોડ પર આજે ગટરમાંથી ગંદા પાણી ઉછળીને બહાર આવ્યા હતા.જેની અસહ્ય દુર્ગંધથી વેપારીઓ,રહીશો,રાહદારીઓ અને વાહનચાલકોએ હાલાકી ભોગવવી પડી હતી. બ્રિજના છેડે એએમસીની સબ ઝોનલ કચેરી આવેલી છે,બંને તરફ મંદિરો, હોસ્પિટલ,આંગણવાડી તેમજ ખોખરા સ્મશાનગૃહ આવેલું છે.મોટી સંખ્યામાં લોકોની અવર-જવર આ રોડ પરથી થાય છે.જાહેર જનતાના હિતમાં આ ઉભરાતી ગટરોની સત્વરે મરામત કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.પૂર્વ અમદાવાદમાં ગટરો ઉભરાવી એ સામાન્ય સમસ્યા બની ગઇ છે.લોકો મ્યુનિ.ફરિયાદો કરીને થાકે છે છતાંય કોઇ જોવા આવતું નથી.પૂર્વમાં ઉનાળામાં ઝાડા-ઉલટી સહિતની પાણીજન્ય રોગચાળો વધુ ફેલાયો છે.