– પાટીદાર સમાજનું એક જૂથ હાર્દિકનો વિરોધ કરી રહ્યું છે
– સોશિયલ મીડિયામાં પણ હાર્દિકવિરોધી વાતાવરણ
કોંગ્રેસ છોડી હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ સમયે કોઈ ગરબડ ના થાય એ માટે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમની આસપાસ પોલીસનો લોખંડી પહેરો ગોઠવવામાં આવી શકે છે.એટલું જ નહીં, હાર્દિકના ભાજપ પ્રવેશ અંગે સોશિયલ મીડિયામાં કોઈપણ ટીકાટિપ્પણી કે કોઈપણ વિવાદ ઊભો ના કરવા માટે ભાજપની તમામ ટીમોને સૂચના પહોંચાડવામાં આવી
હોવાનું જાણવા મળે છે.
કમલમમાં પહેરો મજબૂત બનાવી દેવામાં આવ્યો
પાટીદાર અનામત આંદોલનથી નેતા બનીને કૉંગ્રેસનો પણ હાથ છોડી ભાજપમાં જોડાઈ રહેલા હાર્દિક પટેલ સામે પાટીદાર સમાજના કેટલાક યુવાનોમાં ભારે રોષ ફેલાયો હોવાના મુદ્દે IBએ પણ સરકાર સુધી જાણ કરી હોવાથી કમલમમાં પહેરો મજબૂત બનાવી દેવામાં આવ્યો છે.ખાસ કરીને કેટલાક વિરોધી કોઈ બબાલ ના કરે એની સાવચેતી રાખવામાં આવી છે.
વિરોધ ના થાય એ માટે ભાજપ પણ એલર્ટ
પાટીદાર અનામત આંદોલન દરમિયાન ભાજપ સરકાર અને નેતાઓ વિરુદ્ધમાં બેફામ નિવેદન કર્યા બાદ હાર્દિક પટેલ ભાજપનો જ ખેસ પહેરી રહ્યા હોવાથી પાટીદાર સમાજમાં ક્યાંક ને ક્યાંક રોષ ફેલાયો છે.સોશિયલ મીડિયાના માધ્યમથી હાર્દિકની સામે એક જૂથ જબરદસ્ત વિરોધનું વાતાવરણ ઊભું કરી રહ્યું છે,તેથી ભાજપ પણ એલર્ટ થઈ ગયો છે.આ ઉપરાંત હાર્દિકના ભાજપ પ્રવેશના મામલે સોશિયલ મીડિયામાં પણ કોઈપણ પ્રકારની પોસ્ટ કે ટીકાટિપ્પણી નહીં કરવાની સૂચના પણ ભાજપ દ્વારા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આજે ભાજપના બે અલગ-અલગ પ્રોગ્રામ
કમલમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાર્દિક પટેલે જીદ પકડી હોવાની વિગતો સામે આવી રહી છે.ભાજપમાં જોડાવાના છે એ નક્કી થઈ ગયા બાદ તેઓ કઈ રીતે જોડાશે એની આખી રૂપરેખા તેમણે પોતે જ નક્કી કરી છે.એક દિવસ અગાઉ હાર્દિક પટેલ ગાંધીનગર ભાજપ કાર્યાલય ખાતે કેટલાક નેતાઓને મળ્યા હતા,જ્યાં તેમણે પોતાની જોડાવવાની વાત અને એકલા જ જોડાવાની જીદ કરી હતી,ત્યાર બાદ ભાજપે બે અલગ-અલગ પ્રોગ્રામ કરવાનું હવે નક્કી કર્યું છે.