અમદાવાદ : તા.02 જૂન 2022, ગુરૂવાર : પાટીદાર અનામત આંદોલન દ્વારા જાહેર જીવનમાં આવનારો હાર્દિક પટેલ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો છે તે હવે નક્કી થઈ ગયું છે.ભાજપ દ્વારા પણ આ અંગેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.હાર્દિક આજે સવારે 09:00 કલાકે પોતાના ઘરે દુર્ગા પૂજા કર્યા બાદ સ્વામીનારાયણ મંદિર જઈને પૂજા કરવાનો છે.ત્યાર બાદ હાર્દિક આજે 11:00 વાગ્યે ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે પહોંચીને પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરવાનો છે.ભાજપના કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ હાર્દિકને સદસ્યતા અપાવશે અને હાર્દિકના રાજકીય જીવનનો નવો અધ્યાય શરૂ થશે.
રાજકીય કારકિર્દીમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહેલા હાર્દિકે એક રીતે વર્ષ 2014માં પોતાના જાહેર જીવનનો આરંભ કર્યો હતો.તે સમયે હાર્દિક પાટીદાર સંગઠન સરદાર પટેલ ગ્રુપ સાથે જોડાયો હતો.આ ગ્રુપે જ આગળ જતા પાટીદાર અનામતની માગણી સાથે આંદોલન શરૂ કર્યું હતું.સરદાર પટેલ ગ્રુપે વર્ષ 2015માં પાટીદાર અનામતની માગણી સાથે વિસનગરમાં પહેલી રેલી કાઢી હતી.તે રેલીમાં સામેલ હાર્દિક પટેલ અને અન્ય લોકો પર ભાજપના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાનો આરોપ લાગ્યો હતો.કોર્ટે તે મામલે હાર્દિકને દોષી ઠેરવીને 2 વર્ષની સજા સંભળાવી હતી.જોકે હાર્દિક સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો અને સર્વોચ્ય અદાલતે સજા પર રોક લગાવી દીધી હતી.