હાલ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે.જેના કારણે બન્ને પક્ષોના નેતાઓના વાદવિવાદથી રાજકીય ગરમાવો આવી જાય છે, તેવા સમયે કોંગ્રેસના હાર્દિક પટેલનું વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. આજે રાજદ્રોહના ગુનામાં તારીખ હોવાથી હાજર રહેલા હાર્દિક પટેલ એક રાજકીય નિવેદન આપ્યું હતું. પરંતુ આજનું હાર્દિકનું નિવેદન ગુંડાગીરી જાણે સલાહ આપતો હોય તેવું દેખાઈ રહ્યું હતું. હાર્દિક પટેલે ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું હતું કે, પક્ષ પલટો કરનાર નેતાઓને મેથીપાક ચખાડવાનું કહ્યું હતું. જેથી આજે હાર્દિક પટેલના નિવેદનમાં જાણે પોતાના રાજકીય રોટલા શેકવા ગેરમાર્ગે દોરતો હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજે રાજદ્રોહના ગુનામાં તારીખ હોવાથી હાર્દિક પટેલ માસ્ક પહેરીને કોર્ટમાં આવ્યો હતો. જ્યાં મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, પક્ષપલટો કરનાર નેતાઓને લોકોએ જાહેરમાં માર મારવો જોઈએ. મુખ્યમંત્રીના બંગલે જ 50 કરોડમાં વેચાતા ધારાસભ્યો લોકશાહી માટે શરમજનક ઘટના છે. લોકશાહીમાં પ્રજાના મત સાથે ચૂંટાયેલા નેતાઓ રૂપિયાની લાલચમાં જતાં રહે એ પ્રજા સાથે દ્રોહ જ ગણાય. લોકોએ આવા નેતાઓને જાણી લેવાની જરૂર છે. કોઈપણ પક્ષના નેતાઓ હોય તે પ્રજાના મતથી ચૂંટાયા છે. કોંગ્રેસના નેતાઓને ખરીદવા માટે ભાજપના મુખ્યમંત્રીએ જોર લગાવવું પડે એ લોકો સાથે છેતરપિંડી કરી જ કહેવાય.
સાથે હાર્દિકે કોંગ્રેસ છોડીને આપમાં જવાનો હોવાની વાતને અફવા ગણાવીને જણાવ્યું હતું કે, હું કોંગ્રેસમાં જ છું. ભાજપના લોકો દ્વારા જ ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.હું કોંગ્રેસ છોડવાનો નથી અને મને કોઈ એવી ઓફર પણ નથી.


