અમદાવાદ : તા.08 જૂન 2022,બુધવાર : કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા હાર્દિક પટેલે લોકોની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે.સોશિયલ મીડિયામાં લોકો હાર્દિકને ખૂબ જ ખરી-ખોટી સંભળાવી રહ્યા છે.એટલું જ નહીં,પાટીદાર નેતાને મળી રહેલી ધમકીઓ બાદ તેમને પોલીસ સુરક્ષા આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે,હાર્દિક પટેલે તાજેતરમાં જ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર લોકોના આકરા વલણને પગલે ભાજપના નેતા હાર્દિક પટેલે ફેસબુક પર કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું છે.હાર્દિક પટેલે મંગળવારના રોજ ફેસબુક પોસ્ટના માધ્યમથી યુઝર્સને મિસ્ડકોલ દ્વારા ભાજપમાં સામેલ થવાની અપીલ કરી હતી.ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનના હિસ્સા સમાન આ પોસ્ટમાં ટોલ ફ્રી નંબર પણ સામેલ હતો.પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં લોકોએ હાર્દિક વિરૂદ્ધ બળાપો ઠાલવીને આકરી પ્રતિક્રિયાઓ આપી હતી.આ કારણે હાર્દિક પટેલે કોમેન્ટ સેક્શન બંધ કરવાનો નિર્ણય લીધો છે.પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપમાં સામેલ થયા ત્યાર બાદ તેમના અનેક જૂના વીડિયો પણ વાયરલ થયા હતા.વીડિયોમાં હાર્દિક વડાપ્રધાન નરેન્દ્ર મોદી,કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સામે જે ઉગ્ર નિવેદનો આપી રહ્યા છે તે દેખાડવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે,ઘણાં લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ જણાઈ રહેલા હાર્દિક પટેલે ગત તા.2 જૂનના રોજ પંજો છોડીને કમળ અપનાવી લીધું હતું.ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને વરિષ્ઠ નેતા નીતિન પટેલે હાર્દિકને પાર્ટીની સદસ્યતા અપાવી હતી.આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે પાટીદાર નેતાને પાર્ટીમાં સામેલ કરીને ભાજપે ગુજરાતમાં પાટીદાર મતદારોને આકર્ષવા પ્રયત્ન કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.