– આનંદીબેનની હકાલપટ્ટીને પાટીદારો ભુલી શક્યા નથી
– ટિકિટ નહી આપવા અમિત શાહને મળીને રજૂઆત કરી હતી
ગાંધીનગર,તા.14 નવેમ્બર 2022,સોમવાર : પાટીદારોને અનામત આપવાની માગ સાથે આંદોલન કર્યા બાદ કોંગ્રેસમાં એન્ટ્રી લીધા પછી ભાજપમાં ગયેલા હાર્દીક પટેલને ભાજપે વિરમગામથી ચૂંટણી લડવાની ટિકિટ આપી છે.જેને પગલે પાટીદારોમાં આક્રોશ ફેલાયો છે.આઘાતજનક બાબત એ છે કે, કેટલાક પાટીદારોએ થોડા દિવસો પહેલા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળીને રજૂઆત કરી હતી કે હાર્દીકને ટિકિટ ન આપશો.જો ટિકિટ અપાશે તો વિરમગામના લોકો તેમને હરાવશે.
આવી ચિમકી છત્તા તેને અવગણીને ભાજપ હાઈકમાન્ડે હાર્દીક પટેલને વિરમગામ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યો છે.આથી પાટીદાર હોદેદારો હાર્દીકને હરાવવા માટેની વ્યૂહરચનામાં લાગી ગયા છે.તેઓ કહે છે કે, જો હાર્દીક પટેલ જેવા તકવાદીને ટિકિટ આપી છે તો પછી જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા આનંદીબેન પટેલની મુખ્યમંત્રીપદથી શા માટે હકાલપટ્ટી કરી ? પાટીદાર મહિલાને ખસેડતા શરમ ન આવી ?
હાર્દીકના એક સમયના સાથીદારોએ પણ ચિમકી આપી છે કે, અમે હાર્દીક પટેલના વિરૃધ્ધમાં વિરમગામમા પ્રચાર કરીશુ.હાર્દીકને કારણે 15થી વધુ પાટીદારો શહીદ થયા હતા એ વાત યાદ અપાવીશુ.હું ક્યારેય રાજકારણમાં જઈશ નહી,તમારી પાસે મત માગવા નહી આવુ,બધા રાજકારણી જૂઠ્ઠા છે એ પ્રકારની વાતો ખુદ હાર્દીકે જ કરી હતી તેની જાણકારી આપીશુ.
અલ્પેશ ઠાકોરને ભાજપ ટિકિટ અપાશે તો તેને પણ હરાવીશુ
ગુજરાતમા દારૂઓની નદી વહે છે. ભાજપ સરકારના મંત્રીઓ અને પોલીસ અધિકારીઓ બુટલેગરો અને દારૂના ધંધાર્થીઓ પાસેથી કરોડોના હપ્તા લે છે આવુ કહીને અલ્પેશે દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરીને આંદોલન કર્યુ હતુ.ઠાકોર સમાજના યુવાનોને દારૂની બદીમાંથી મુક્ત કરવાના શપથ લીધા હતી.સમાજને ગેરમાર્ગે દોર્યા બાદ અલ્પેશ કોંગ્રેસમાં જોડાઈ ગયો હતો તેમજ ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચી ગયો હતો.ત્યાર બાદ પક્ષ પલ્ટો કરીને ભાજપમાં ગયો છે.હવે તેને રાધનપુર અથવા તો દક્ષિણ ગાંધીનગરથી ટિકિટ આપવાની વિચારણા થઈ રહી છે.જેની સામે ઠાકોર સમાજના આગેવાનોએ પણ ભાજપ હાઈકમાન્ડને ચેતવણી આપી છે કે, જો અલ્પેશને ટિકિટ અપાશે તો અમે તેને જીતવા દઈશુ નહી,કોઈપણ રીતે તેને હરાવીશુ.