– પત્નીએ રોજ આ પ્રકારની હરકત જોઈને તપાસ કરી તો પતિના અન્ય પુરુષો સાથેના સંબંધો બહાર આવ્યા
– ગેવૃત્તિ ધરાવતા પતિ સામે ફરિયાદ કરી; હવે ન્યાય માટે પોલીસ સ્ટેશનનાં પગથિયાં ઘસી રહી છે
– પતિની ગે વ્યક્તિઓ સાથેનાં ચેટિંગ પત્નીએ ભેગાં કર્યાં છે,જેમાં અમદાવાદના ખ્યાતનામ ડોકટર,બિઝનેસમેન,ગન હાઉસના માલિક પણ સામેલ છે
અમદાવાદ : સપ્તપદીના ફેરાફરીને પતિ-પત્ની એકબીજા સાથે નવજીવનની શરૂઆત કરે છે,પણ એક યુવતીના મનના અરમાન લગ્નની પહેલી રાતે જ રોળાઈ જાય છે જ્યારે પતિ પત્નીનો હાથ પકડીને મીઠી વાતો કરવાને બદલે હોટલના રૂમમાં ભાઈ-ભાભી સાથે સંતાકૂકડી રમવા લાગે.એવું કંઈક થયું છે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી વણિક પરિવારની દીકરી સાથે,જેને તેનો પતિ ગે હોવાથી આજદિન સુધી તે લગ્નસુખથી અળગી રહી છે.જેને પોતાની સાથે થયેલા અન્યાય માટે પોલીસ સ્ટેશનમાં આંટા મારવા પડ્યા છે,જ્યારે કેટલાક પોલીસકર્મીઓ તો તેને અને તેના પિતાને અપશબ્દો બોલીને આરોપીના કતારામાં લાવવાની કોશિશ કરી હતી.પરિણીતાની અંતે સુરેન્દ્રનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવાઈ છે.
શહેરમાં રહેતા એક પતિ પત્નીનો અજીબ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે,જેમાં લગ્ન બાદ યુવતીને જાણવા મળ્યું કે તેનો પતિ ગે છે અને યુવકો સાથે શરીર સંબંધ છે.યુવતીએ પતિને સુધરવાનો મોકો પણ આપ્યો,પરંતુ પતિનાં લક્ષણો ના બદલાયા અને સમગ્ર મામલે યુવતીના સસરા જેઓ નાયબ મામલતદાર છે.તેમને જાણ હોવા છતાં કોઈ પગલાં લેવાને બદલે પુત્રનો સાથ આપ્યો અને પોલીસ ફરિયાદ ના થવા દેવાના પૂરા પ્રયત્ન કર્યા હતા.
રોશની (નામ બદલ્યું છે)નામની 27 વર્ષીય યુવતીના લગ્ન ઓકટોબર 2018માં ગૌરવ (નામ બદલ્યું છે)સાથે નક્કી થયા હતા અને 8 ફેબ્રુઆરી 2019ના રોજ લગ્ન થયા હતા.લગ્ન અગાઉ બંને એકબીજાને બહુ ખાસ મળ્યા નહોતા,જેથી એકબીજાથી પરિચિત પણ નહોતાં.સુહાગરાતના દિવસે સાણંદ પાસેનું એક રિસોર્ટ બુક કરાવ્યું હતું,જ્યાં યુવકના ભાઈ અને ભાભી પણ આવ્યાં હતાં.
યુવતીના જણાવ્યા અનુસાર,સુહાગરાતે બંને વચ્ચે શારીરિક સંબંધને બદલે ચારેય જણા દોડ-પકડ અને સંતાકૂકડીની રમત રમ્યાં હતાં.આટલું જ નહિ, લગ્નના અનેક દિવસો સુધી યુવતી સાથે સારો વ્યવહાર કરવામાં આવતો ન હતો અને યુવતીને પતિ તરફથી સુખ પણ મળતું નહોતું,જેથી યુવતીને પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની શંકા ગઈ હતી.ત્યાર બાદ તેણે પતિનો ફોન ચેક કરવાનું શરૂ કર્યું.પતિનો ફોન ચેક કરતાં જ યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
પતિના ફોનમાં 2 વ્હોટ્એપ અકાઉન્ટ હતાં,જેમાંથી એક અકાઉન્ટ નોર્મલ હતું,જેમાં પરિવાર અને અન્ય મિત્રો હતા,જ્યારે બીજું અકાઉન્ટ જોયું ત્યારે પતિ અન્ય યુવકો સાથે સંપર્કમાં હતો અને તમામ સાથે સેક્સની અને અન્ય વાતો કરેલી હતી.ઉપરાંત પતિના મોબાઈલમાંથી ગ્રિન્ડર નામની એપ્લિકેશન મળી હતી,જેમાં યુવકો અન્ય યુવકો સાથે સંપર્ક કરતા અને બાદમાં વ્હોટ્સએપ પર વાત કરીને એડ્રેસ અને નામ મેળવીને મળતાં; બાદમાં યુવકો વચ્ચે શારીરિક સંબંધ બાંધતા હતા.પોતાના પતિનું આ રૂપ જોઈને યુવતી સ્તબ્ધ થઈ હતી.
તારાથી થાય એ કરી લે, કઈ કરી નહિ શકે : સસરાની ધમકી
યુવતીએ આ અંગે પતિ સાથે વાત પણ કરી હતી,પરંતુ પતિ અવગણના જ કરતો હતો, જેથી યુવતીએ પુરાવા આપતાં પતિ ગુસ્સામાં આવીને કબૂલાત પણ કરી હતી કે હા, હું ગે છું અને મને પણ ગેમાં જ ઇન્ટરેસ્ટ છે.બંને વચ્ચે તકરાર થતાં પતિ યુવતીને હવે નહિ કરું એવું કહ્યું, પરંતુ આ સતત ચાલુ જ રહ્યું જેથી યુવતીએ સાસુ-સસરાને વાત કરી,પરંતુ યુવતીના આક્ષેપ મુજબ,તેના સસરા કલેકટર ઓફિસમાં નાયબ મામલતદાર હોવાથી જણાવ્યું હતું અને યુવતીને કહેતા હતા કે તારાથી થાય એ કરી લે,તું કઈ કરી નહિ શકે.યુવતીએ પુરાવા ભેગા કર્યા તો તેના પર પણ હાથ ઉઠાયો હતો.
યુવતીએ તપાસ કરતાં જાણવા મળ્યું કે તેના પતિને 18-20 યુવકો સાથે શારીરિક સંબંધ હતા,જેમાં મોટા ભાગના લોકો હાઈ પ્રોફાઈલ છે,જેમાં ગાયનેક ડોકટર,બેંક મેનેજર,વેપારી સહિતના વ્યવસાય સાથે જોડાયેલા છે,જે તેના પતિ સાથે શારીરિક સંબંધ રાખે છે અને અન્ય યુવકો પણ પૂરા પાડે છે.આ લગ્ન અગાઉથી જ ચાલતું હતું તો લગ્ન શા માટે કર્યા એ પણ યુવતીએ પ્રશ્ન પતિને પૂછ્યો હતો,જેના બદલામાં યુવતીને કોઈ જવાબ મળ્યો ન હતો.
યુવતીએ આ તમામ વચ્ચે ગ્રિન્ડર નામની એપ્લિકેશન પર પોતે ફેક અકાઉન્ટ બનાવ્યું હતું અને પોતે યુવક તરીકે પતિ સાથે ગે બનીને વાત કરી હતી, જેમાં તેનો પતિ મળવા સુધી તૈયાર થયો હતો, પરંતુ યુવતીએ માત્ર ચેક કરવા જ અકાઉન્ટ બનાવ્યું હતું.યુવતીએ આ અંગે પોતાના પરિવારને પણ જાણ કરી હતી. જેથી પરિવારે છૂટાછેડા માટે કહ્યું હતું,પરંતુ યુવકના પરિવાર તરફથી છૂટાછેડા માટે કોઈ પ્રક્રિયા આગળ કરવામાં આવી રહી નથી,જેથી યુવતી ફરિયાદ કરવા તૈયાર થઈ હતી.
યુવતી સમગ્ર મામલે ફરિયાદ કરવા મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશન પહોંચી હતી.યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેના સસરા નાયબ મામલતદાર હોવાથી તેની ફરિયાદ નહોતી લેવાઈ અને મહિલા પોલીસ સ્ટેશન તરફથી તેના રહેણાક વિસ્તાર પાલડીમાં ફરિયાદ લેવાશે એવું જણાવ્યું હતું,પરંતુ પાલડી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ લેવાઈ ન હતી.માત્ર અરજી જ લેવામાં આવી હતી, જેની તપાસ પણ થઈ ન હોતી.યુવતીને તેના પતિ અને સસરા તરફથી પરેશાન પણ કરવામાં આવતી હતી અને ઘરની બહાર નીકળતાં તેને હેરાનગતિ પણ કરવામાં આવતી હતી.
યુવતી કંટાળીને પોતાના વતન સુરેન્દ્રનગર રહી હતી અને ત્યાં મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.બાદમાં પોલીસે તપાસ કરીને જાન્યુઆરી 2021માં ફરિયાદ લીધી હતી. સસરા નાયબ મામલતદાર હોવાને કારણે યુવતીની ફરિયાદમાં યોગ્ય તપાસ ના થતી હોવાનો પણ યુવતીએ આક્ષેપ કર્યો છે. પોલીસે નિવેદન માટે 7 દિવસની સમય આપ્યો હતો છતાં પતિ અને સસરા જવાબ લખવવા આવ્યા નહોતા અને હાઇકોર્ટમાંથી 1 મહિનાનો સ્ટે લઈ આવ્યા હતા, જેમાં તેઓ સમાધાન કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે,પરંતુ યુવતીને ન્યાય જ જોઈએ છે.
યુવતીનો પતિ પોતાની પ્રાઈવસી લીક કરી છે એમ કહીને સાયબર ક્રાઈમમાં અરજી કરી હતી, જેથી યુવતીને સાયબર ક્રાઈમમાં બોલાવી હતી.યુવતીનો આક્ષેપ છે કે સાયબર ક્રાઈમના પીઆઈએ યુવતી સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી અને આ મામલો પૂરો કરી દે,નહિતર ક્યાંય નહિ રહેવા દઉં તેવી ધમકી આપી હતી.ઉપરાંત યુવતીના પિતાને પણ પીઆઈએ કહ્યું, હતું કે ડોહો સમજી, નહિ તો તને પટ્ટાથી મારીશ.