નવી દિલ્હી, તા. 22 ફેબ્રુઆરી 2023, બુધવાર : અદાણી ગ્રૂપના સ્ટોક્સ પર ચાલી રહેલી કટોકટી આજે પણ અટકવાનું નામ નથી લઈ રહી.અદાણી ગ્રુપના તમામ 10 લિસ્ટેડ શેર્સમાં આજે ભારે વેચવાલી જોવા મળી રહી છે.અબજોપતિ ગૌતમ અદાણીના જૂથના શેરમાં આજે તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે કારણ કે રોકાણકારો વેચાણના માર્ગે છે.આજે અદાણી ગ્રૂપના શેરમાં તીવ્ર ઘટાડાને કારણે આ શેર્સમાં રૂ. 40,000 કરોડના મૂલ્યાંકનનું નુકસાન જોવા મળી રહ્યું છે.
પોર્ટથી પાવર સેક્ટરમાં કામ કરતી આ ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝ આજે અદાણી ગ્રુપની ટોપ લૂઝર હતી અને તેમાં 10 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.બપોરે 12.26 કલાકે અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 11.07 ટકા ઘટીને રૂ. 1,397.25 પ્રતિ શેરના સ્તરે જોવા મળ્યો હતો.અદાણી ટોટલ ગેસ 5 ટકાની નીચી સર્કિટ બાદ શેર દીઠ રૂ. 833 પર ટ્રેડ કરી રહ્યો છે.આ સિવાય અદાણી વિલ્મરમાં પણ 5 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે શેર દીઠ રૂ. 390.30 પર ટ્રેડ કરી રહ્યો છે.અદાણી ગ્રીન એનર્જીના શેરમાં પણ 5 ટકાનો ઘટાડો નોંધાઈ રહ્યો છે અને તે શેર દીઠ રૂ. 539.05 પર અટવાયેલો છે.અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 5 ટકાના ઘટાડા પછી, શેર દીઠ રૂ. 789.20 પર ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે.
અદાણી ગ્રૂપ પર અમેરિકન કંપની હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યો ત્યારથી અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.આ અહેવાલ 25 જાન્યુઆરીએ બહાર આવ્યો હતો અને ત્યારથી અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો શરૂ થયો હતો.ત્યારથી અદાણી જૂથની 10 કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 11.5 લાખ કરોડથી ઘટીને રૂ. 7.69 લાખ કરોડ થયું છે.