– વારાણસીની એક કોર્ટમાં અભિનેતા રણબીર કપૂરને સજા આપવાની માંગ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી, જે મામલે આગામી સમયમાં સુનાવણી થશે
બૉલીવુડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ શુક્રવારે (9 સપ્ટેમ્બર 2022) રિલીઝ કરવામાં આવી હતી.જોકે, ફિલ્મને ક્રિટીક્સ અને દર્શકો બંને તરફથી જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો નથી અને લોકોનું કહેવું છે કે ફિલ્મમાં માત્ર વીએફએક્સ પર ધ્યાન આપવામાં આવ્યું છે. તો હવે બીજી તરફ ફિલ્મ એક દ્રશ્યને લઈને વિવાદમાં સપડાઈ છે.ફિલ્મ સામે વારાણસીની એક કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.રણબીર-આલિયાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ પર હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે.આ મામલે વારાણસીની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ફિલ્મના એક દ્રશ્યમાં હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
વારાણસીની ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરીને એડવોકેટ રાજા આનંદ જ્યોતિ સિંહે ફિલ્મ પર હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.આ મામલે ફરિયાદ સાંભળવા યોગ્ય છે કે નહીં તેની સુનાવણી કોર્ટે 4 ઓક્ટોબરના રોજ મુકરર કરી છે.ફરિયાદીએ કોર્ટને જણાવ્યું કે, તેઓ હિંદુ ધર્મમાં પૂર્ણ આસ્થા ધરાવનાર વ્યક્તિ છે.શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના એક દ્રશ્યમાં અભિનેતા રણબીર કપૂર દ્વારા હિંદુ સનાતન અને ધાર્મિક સ્થળમાં જૂતાં પહેરીને પ્રવેશ કરતો અને મંદિરમાં ઘંટ વગાડતો જોવા મળે છે.રણબીર કપૂરના આ કૃત્યથી તેમની અને અન્ય હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.ફરિયાદીએ કોર્ટ સમક્ષ અપીલ કરતાં કહ્યું કે,ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપસર રણબીર કપૂરને સમન્સ પાઠવવામાં આવે અને સાથે જ કાયદા અનુસાર સજા પણ ફટકારવામાં આવે જેથી યોગ્ય ન્યાય મળી શકે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ રણબીર કપૂર અને તેની પત્ની આલિયા ભટ્ટ વિરોધનો સામનો કરી ચૂક્યાં છે.તેઓ ફિલ્મની રિલીઝ પહેલાં મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરે દર્શન માટે પહોંચ્યાં હતાં,પરંતુ હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓએ તેમનો વિરોધ કર્યો હતો.જોકે, આ મામલે એમપીના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, રણબીર-આલિયા માટે તંત્રે તમામ વ્યવસ્થાઓ કરી હતી,પરંતુ તેમ છતાં તેઓ દર્શન કર્યા વગર જ ચાલ્યાં ગયાં હતાં.અભિનેતાઓનો આ વિરોધ રણબીર કપૂરના એક જૂના ઇન્ટરવ્યૂના કારણે થયો હતો,જેમાં તેણે કહ્યું હતું કે તેને ગૌમાંસ ખાવું બહુ પસંદ છે.બીજી તરફ, ફિલ્મની વાત કરવામાં આવે તો બહુ ખાસ લોકોને પસંદ પડી નથી.તેમજ ક્રિટિક્સે પણ ઠીકઠાક રિવ્યૂ આપ્યા છે.જાણીતા ફિલ્મ ક્રિટીક અને ટ્રેન્ડ એનાલિસ્ટ તરન આદર્શે ફિલ્મને નિરાશાજનક ગણાવી હતી અને કહ્યું હતું કે ફિલ્મ પાસે એક મોટી તક હતી પરંતુ તે નિર્માતાઓએ ગુમાવી દીધી છે.ઉપરાંત, ફિલ્મ જોઈને આવેલા ઘણા દર્શકોએ પણ આવા જ પ્રતિભાવો આપ્યા હતા.