- ધર્મસંસદની વાત અંગે ભાગવતનું નિવેદન
- દેશના બંધારણની વિભાવના હિંદુત્વની મૂલ્ય પ્રણાલિને આભારી છેઃ ભાગવત
મુંબઈ : ધર્મસંસદના બેનર હેઠળ યોજાનારા કાર્યક્રમમાં હિંદુત્વની વાત અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે અસંમતિ વ્યક્ત કરી છે.મોહન ભાગવતે જણાવ્યું હતું કે ધર્મસંસદમાંથી નીકળેલી વાતો હિંદુ અને હિંદુત્વની પરિભાષા મુજબની ન હતી.કોઈ વાત કોઈ સમયે ગુસ્સામાં કહેવાય તો તે હિંદુત્વ નથી.હિંદુ કે હિંદુત્વમાં માનનાર કોઈને ખતમ કરવા અંગે નહી પણ ભગવદ ગીતા અંગે કહેશે.
મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં મોહન ભાગવતે જણાવ્યું હતું કે આરએસએસ અને હિંદુત્વમાં વિશ્વાસ રાખનારા લોકો આ પ્રકારની વાતો પર ભરોસો કરતા નથી.વાસ્તવમાં ગયા ડિસેમ્બરમાં હરિદ્વારમાં થયેલી ધર્મસંસદમાં મુસલમાનો અંગે વાંધાજનક નિવેદન કરવામાં આવ્યું હતું.જ્યારે રાયપુરમાં થયેલી ધર્મસંસદમાં મહાત્મા ગાંધીને લઈને અયોગ્ય ટિપ્પણી કરવામાં આવી હતી.
સંઘ પ્રમુખે જણાવ્યું હતું કે વીર સાવરકરે હિંદુ સમાજની એક્તા અને તેને સંગઠિત કરવાની વાત કહી હતી,પણ તેમણે આ વાત ભગવદ્ ગીતાનો સંદર્ભ લઈને કહી હતી.કોઈને ખતમ કરવા કે નુકસાન પહોંચાડવા નહી.
ભારત હિંદુ રાષ્ટ્ર બનવાના આરે છે તે સવાલ અંગે મોહન ભાગવતે જણાવ્યું હતું કે તે હિંદુ રાષ્ટ્ર બનાવવા અંગે વાત કરી રહ્યા નથી. ભલે કોઈ સ્વીકારે કે ન સ્વીકારે ભારત હિંદુ રાષ્ટ્ર છે જ.આપણા બંધારણની પ્રકૃતિ જ હિંદુત્વવાળી છે.આ એવી પ્રકૃતિ છે જેવી દેશની એક્તાની અખંડિતતાની ભાવના છે.રાષ્ટ્રીય અખંડિતતા માટે સામાજિક સમાનતા જરૃરી નથી, સમરૃપતા જરુરી છે.અલગતાનો કે જુદા પડવાનો અર્થ અસમાનતા ન થાય.સંઘનો વિશ્વાસ લોકોને વહેંચવામાં નથી પણ તેના મતભેદ દૂર કરવામાં છે.તેનાથી પેદા થનારી એક્તા મજબૂત હશે.