– જાન્યુઆરીમાં કર્ણાટકના ઉડુપી જિલ્લાથી હિજાબ મુદ્દે વિવાદની શરૂઆત થઈ હતી
કર્ણાટક, તા. 07 ફેબ્રુઆરી, 2022, સોમવાર : કર્ણાટકની કોલેજીસમાં ચાલી રહેલા હિજાબ વિવાદ વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.સરકારી પ્રી યુનિવર્સિટી કોલેજ,કુંડાપુરાના પરિસરમાં સોમવારે, 7 ફેબ્રુઆરીના રોજ હિજાબ પહેરેલી વિદ્યાર્થીનીઓને પરિસરમાં પ્રવેશની મંજૂરી આપી દેવામાં આવી હતી.જોકે તેમને અલગ વર્ગોમાં ભણાવવામાં આવશે જેથી ફરી કોઈ જાતનો નવો વિવાદ ન થાય.
રાજ્યના ઉડુપી ખાતે કેટલીક કોલેજીસ દ્વારા મુસ્લિમ વિદ્યાર્થીનીઓ વર્ગમાં હિજાબ પહેરીને આવતી હતી તેના પર રોક લગાવવામાં આવી ત્યારથી આ વિવાદ વકરી રહ્યો હતો.શનિવારે કોંગ્રેસના ધારાસભ્ય કનીજ ફાતિમાએ પોતાના સમર્થકો સાથે તેના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.ત્યાર બાદ રવિવારે રાતે પોલીસે હથિયાર લઈને જઈ રહેલા લોકોની કોલેજ પાસેથી ધરપકડ કરી હતી.આરોપી રજ્જાબ અને હાજી અબ્દુલ માજિદ પાસેથી ધારદાર હથિયાર મળી આવ્યા હતા અને તેમના કેટલાક સાથીઓ ફરાર છે.
રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શનિવારે મહત્વના દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતા.શિક્ષણ વિભાગે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, તમામ સરકારી શાળાઓ રાજ્ય સરકાર દ્વારા ઘોષિત યુનિફોર્મ ડ્રેસ કોડનું પાલન કરે.જ્યારે ખાનગી સંસ્થાઓના વિદ્યાર્થીઓ શાળા મેનેજમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા ડ્રેસકોડનું પાલન કરે.જો ત્યાં કોઈ ડ્રેસ કોડ ન હોય તો વિદ્યાર્થીઓ એવો પોશાક પહેરે જે સમાનતા,અખંડતા અને કાયદા-વ્યવસ્થાને પ્રભાવિત ન કરે.
જાન્યુઆરીમાં કર્ણાટકના ઉડુપી જિલ્લાથી હિજાબ મુદ્દે વિવાદની શરૂઆત થઈ હતી.ત્યાંની પ્રી-યુનિવર્સિટી કોલેજમાં વિદ્યાર્થીનીઓના જૂથને હિજાબ પહેર્યો હોવાના કારણે વર્ગમાં પ્રવેશ નહોતો આપવામાં આવ્યો.કોલેજ પ્રશાસનના કહેવા પ્રમાણે ડ્રેસમાં સમાનતાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.ત્યાર બાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આ વિવાદ વધવા લાગ્યો હતો. અનેક વિદ્યાર્થીઓ હિજાબના વિરોધમાં ભગવો ગમછો ઓઢીને સંસ્થાઓમાં જવા લાગ્યા હતા.