ઝારખંડના ધનબાદમાં ડિસ્ટ્રિક્ટ અને એડિશનલ જજ ઉત્તમ આનંદના મોતે હવે સસ્પેન્સ વળાંક લીધો છે.શરૂઆતમાં આ કેસ હિટ એન્ડ રન કેસ તરીકે સામે આવ્યો હતો પરંતુ હવે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા બાદ ખૂનનું કાવતરું હોવાનું જણાય છે. ધનબાદમાં પોસ્ટીંગ પર જજ ઉત્તમ આનંદ બુધવારે સવારે મોર્નિંગ વોક કરી રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલી એક ઓટો રીક્ષાએ તેમને ટક્કર મારી હતી.ત્યાર બાદ તેઓ લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી ગયા હતા.બાદમાં શહીદ નિર્મલ મહાતો મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું.
પાછળથી બહાર પાડવામાં આવેલા સીસીટીવી ફૂટેજના વિશ્લેષણથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે હત્યાના ઈરાદાથી રીક્ષાથી ટક્કર મારવામાં આવી હતી.આ કેસમાં હવે એ વાત પ્રકાશમાં આવી છે કે, અથડાયેલી રીક્ષાની હત્યાની આગલી રાત્રે જ ચોરી થઈ હતી અને ચોરી થયાના ત્રણ જ કલાક બાદ આ ઘટના બની હતી.
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે જજ રસ્તાની બાજુમાં જોગિંગ કરી રહ્યા હતા.પાછળથી આવતી ઓટો સીધી ખાલી રસ્તે જજ તરફ વળી અને તરત જ તેમને ટક્કર મારી.આ ઘટના ચાર સેકંડમાં બની હતી.ન્યાયાધીશને ટક્કર માર્યા પછી ઓટો ચાલક ત્યાંથી ભાગ્યો,જ્યારે ન્યાયાધીશ લોહીના નીગળથી હાલતમાં ત્યાં ઢળી પડ્યા.જજ આનંદ મૂળ હઝારીબાગ જિલ્લાના રહેવાસી હતા.
ન્યાયાધીશ ઉત્તમ આનંદ ધનબાદ શહેરમાં ગેંગસ્ટર અમનસિંહ સહિત 15 થી વધુ માફિયાઓનો કેસ સંભાળી રહ્યા હતા અને તાજેતરમાં જ તેમણે અનેક ગેંગસ્ટરોની જામીન અરજી નામંજૂર કરી હતી.તેમની પત્નીએ અજાણ્યા તત્વો સામે હત્યાની એફઆઈઆર નોંધાવી છે.