અમદાવાદ,સોમવાર : પૂર્વ વિસ્તારમાં બેફામ વાહનો હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્માતે મોતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે.બે દિવસ પહેલા જેતલપુરથી બારેજા તરફ આધેડ વયની વ્યકિત પગપાળા જઇ રહી હતી આ સમયે આધેડને કચડી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો હતો.આ બનાવ અંગે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ જીલુભાએ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તા, ૭ના રોજ રાતે ૯ વાગે ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફોન આવ્યો હતો કે જેતલપુરથી બારેજા બાજુ એસોસિયેટ બોર્ડ કેરિયર્સ લિમિટેડની સામે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં આધેડ વયની વ્યકિત રોડ ક્રોસ કરી રહી હતી આ સમયે પૂર ઝડપે આવી રહેલા અજાણ્યો વાહન ચાલકે તેમને ટક્કર મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા.
આ પ્રમાણેના મેસેજ આધારે પોલીસે ઘટના સ્થળે જઇને તપાસ કરતાં ૫૫ વર્ષના આધેડની લાશ પડેલી હતી.તેમના હાથ-પગ તૂટી ગયા હતા.પોલીસે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વાહન ચાલકની તથા મૃતકના વાલી વારસોનીશોધખોળ કરવાની અને મૃતકની ઓળખ પરખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.