બેંગ્લુરુ/હુબલી, તા.૨૮ : હિન્દીને રાષ્ટ્રભાષા માનવા અંગે કન્નડ અભિનેતા કિચ્ચા સુદીબ અને બોલિવૂડ અભિનેતા અજય દેવગણ વચ્ચે શરૂ થયેલા વિવાદે હવે રાજકીય વળાંક લીધો છે.ભાજપ શાસિત કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ સિદ્ધારમૈયા, એચડી કુમારસ્વામીએ હિન્દીને રાષ્ટ્ર ભાષા માનવાનો ઈનકાર કરી દીધો હતો.તેમણે કહ્યું કે હિન્દી આ દેશની અન્ય ભાષાઓની જેમ જ એક ભાષા છે.ભારતમાં દક્ષિણના રાજ્યો અનેક વખત હિન્દીને રાષ્ટ્રભાષા માનવાનો ઈનકાર કરી ચૂક્યા છે.આ જ રીતે વધુ એક વખત દેશમાં ભાષા વિવાદ વકરી રહ્યો છે.કન્નડ ફિલ્મ અભિનેતા કિચ્ચા સુદિપ અને હિન્દી ફિલ્મોના અભિનેતા અજય દેવગણ વચ્ચેના ભાષા વિવાદમાં કૂદી પડતાં કર્ણાટકના નેતાઓએ હિન્દીને રાષ્ટ્રભાષા માનવાનો ઈનકાર કરી દીધો છે.
જોકે, કર્ણાટકના મુખ્યમંત્રી બોમ્મઈના કેબિનેટ સાથી ડૉ. સી એન અશ્વથ નારાયણે કહ્યું કે, રાષ્ટ્રીય સ્તર પર સંપર્કની ભાષા તરીકે હિન્દી શીખવામાં કશું જ ખોટું નથી. પોતાની ભાષાને વધુ મહાન બતાવવા માટે અન્ય કોઈ ભાષાને અવગણવાની કોઈ જરૂર નથી.હુબલીમાં મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે, સુદીપે કહ્યું તે બરાબર છે.ભાષાના આધારે રાજ્યોની રચના થયા પછી ભાષાનું મહત્વ વધ્યું હતું.સુદીપે તે જ કહ્યું છે અને બધાએ તે સ્વીકારવું જોઈએ તથા તેને આદર આપવો જોઈએ.કર્ણાટકમાં કોંગ્રેસના કદાવર નેતા સિદ્ધારામૈયાએ પણ ટ્વીટ કરી હતી કે, હિન્દી ક્યારેય અમારી રાષ્ટ્રભાષા નહોતી અને ક્યારેય નહીં બને. આપણા દેશના ભાષા વૈવિધ્યનો આદર કરવો તે પ્રત્યેક ભારતીયની ફરજ છે. પ્રત્યેક ભાષાનું પોતાનું સમૃદ્ધ ઐતિહાસિક મહત્વ છે અને તેના લોકોને તેના પર ગર્વ છે.મને કન્નડિગા પર ગર્વ છે.જનતા દળ (એસ)ના નેતા કુમારસ્વામીએ પણ સિદ્ધારમૈયા અને સુદીપ જેવો જ મત વ્યક્ત કરતાં અજય દેવગણની ટીકા કરી હતી અને કહ્યું કે હિન્દી ભાષા અંગે કિચ્ચા સુદીપને જવાબ આપતું અજય દેવગણનું વર્તન હાઈપર છે. હિન્દી આ દેશની અન્ય ભાષાઓ કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને મરાઠી જેવી જ એક ભાષા છે.