કાનપુર, તા. ૧૮ : દેશમાં અઝાન વિવાદ અને રામનવમી તેમજ હનુમાન જન્મોત્સવની શોભાયાત્રામાં કોમી તોફાનોના કારણે પ્રદેશમાં સાંપ્રદાયિક સદ્ભાવનાને ઠેસ પહોંચી છે.આવા સમયે સાધ્વી ઋતુંભરાએ હિન્દુઓને ચાર બાળકો પેદા કરવાની ભલામણ કરતું વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.તેમણે કહ્યું કે હિન્દુઓ બે સંતાનો રાષ્ટ્રને સમર્પિત કરશે તો ટૂંક સમયમાં ભારત ‘હિન્દુ રાષ્ટ્ર’ બની જશે.ઉત્તર પ્રદેશના કાનપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ તરફથી રામોત્સવનું આયોજન કરાયું હતું.આ કાર્યક્રમને સંબોધન કરતાં સાધ્વી ઋતુંભરાએ કહ્યું કે દરેક હિન્દુએ બે બાળકોની વિચારસરણીમાંથી બહાર આવવું જોઈએ.દરેક હિન્દુએ હવે ચાર બાળકો પેદા કરવા જોઈએ.તેમાંથી બે બાળકો પરિવાર માટે અને બાકી બે બાળકો રાષ્ટ્રને સમર્પિત કરવા જોઈએ.હિન્દુ પરિવારે તેમના બે સંતાનો આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદને સોંપી દેવા જોઈએ, જેથી તેઓ રાષ્ટ્રસેવામાં યોગદાન આપી શકે.તેમણે કહ્યું કે, આપણા માટે રાષ્ટ્ર સર્વોપરી હોવું જોઈએ.સાધ્વી ઋતુંભરાએ તેમના નિવેદનમાં દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવના રોજ ફાટી નીકળેલી કોમી હિંસાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, હનુમાનજીની શોભાયાત્રા પર હુમલો કરનારા લોકોને દેશના વિકાસથી ઈર્ષા થઈ રહી છે.રાજકીય આતંકવાદ મારફત હિન્દુ સમાજનું વિભાજન કરવાનો પ્રયાસ કરનારા લોકો ધૂળમાં મળી જશે.તેમણે ઉમેર્યું કે, દેશમાં સમાન નાગરિક સંહિતાનો અમલ થવો જોઈએ.તેને પગલે દેશમાં વસતીનું અસંતુલન દૂર થશે.દેશમાં વસતીનું અસંતુલન હશે તો દેશનું ભવિષ્ય અંધકારમય છે.તેમણે ઉમેર્યું હતું કે, દેશના રાજકીય પક્ષોએ હિન્દુઓને વિભાજિત કરી દીધા છે, પરંતુ શ્રી રામનું આચરણ સમાજને એકત્ર કરશે.
સાધ્વી ઋતુંભરા પહેલાં ગાઝિયાબાદના ડાસના મંદિરના મહંત યતી નરસિંહાનંદે પણ હિન્દુઓને વધુ બાળકો પેદા કરવા આહ્વાન કર્યું હતું.જામીન પર બહાર આવેલા મહંત નરસિંહાનંદે હિમાચલ પ્રદેશમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારતને ઈસ્લામિક દેશ બનતો રોકવો હોય તો હિન્દુઓએ વધુમાં વધુ બાળકો પેદા કરવા જોઈએ.

