– અહીંના ગણેશોત્સવને ૧૦૦ વર્ષ પૂરાં થાય છે ત્યારે જોવા મળશે હિન્દુ-મુસ્લિમોની અનોખી એકતા : બન્ને કોમના લોકો રથ ખેંચીને બાપ્પાની મૂર્તિને પંડાલ સુધી લાવશે : ગણપતિબાપ્પા ઉદયપુરના રાજમહેલમાં બિરાજમાન થશે અને દસેદસ દિવસ વિવિધ વિધિ-પૂજા થશે
ધર્મના નામ પર વિવાદ ઊભો કરવામાં આવે છે ત્યારે વરલીમાં ગણેશોત્સવમાં હિન્દુ-મુસ્લિમની અનોખી એકતા જોવા મળી રહી છે.વરલીના હિન્દુ-મુસ્લિમ વેપારીઓ દ્વારા ૧૦૦ વર્ષ પહેલાં ‘વરલીચા મહારાજા’ની સ્થાપના કરાઈ હતી.ત્યારથી અહીં તેઓ ભેગા થઈને બાપ્પાની મૂર્તિને પંડાલ સુધી લાવતા હોય છે અને દરેક પૂજા-વિધિમાં સામેલ થતા હોય છે.આ વર્ષે વરલીચા મહારાજાનાં ૧૦૦ વર્ષ પૂરાં થયાં હોવાથી બાપ્પા ઉદયપુરના રાજમહેલમાં બિરાજમાન થશે અને દસેય દિવસ અહીં ધાર્મિક, પારંપરિક,સામાજિક પ્રવૃત્તિઓથી લોકોને જોડવાનું કામ કરશે.દસેય દિવસ લોકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવાની સાથે મહિલાઓ માટે વિશેષ મેડિકલ કૅમ્પ પણ યોજાશે.આ વર્ષે ૧૦૦ વર્ષ પૂરાં થયા હોવાથી અહીંનો ગુજરાતી અને મુસ્લિમ વેપારી વર્ગ પણ ખૂબ ઉત્સાહિત જોવા મળી રહ્યો છે.
બાપ્પાનું આગમન હિન્દુ-મુસ્લિમ ભાઈઓ સાથે મળીને કરે છે એમ જણાવીને ‘વરલીચા મહારાજા’ની સ્થાપના કરતા શ્રી ગણેશ સેવા મંડળ,વરલીના ટ્રસ્ટી અરવિંદ ભોસલેએ જણાવ્યું હતું કે વરલીનાકા જંક્શન બ્રિટિશકાળથી જાણીતું છે.આ ભાગના ગુજરાતી,મારવાડી,મુસ્લિમ લાકડાં,મીઠાઈ,કપડાંના વેપારીઓ અને જ્વેલરોએ ભેગા થઈને ભાવનાપૂર્વક અહીં ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી.એથી નાકા પર ૧૭૫ વર્ષ જૂના શ્રી સત્યનારાયણ મંદિરના પ્રિમાઇસિસમાં આઠ ફુટના ગણપતિ બિરાજમાન કરીએ છીએ.લોઅર પરેલ પર રહેલી અહમદી મસ્જિદમાં નમાજ પૂરી થયા બાદ મુસ્લિમ અને હિન્દુ ભાઈઓ બાપ્પાના વાહનને ખેંચતા પંડાલ પર લાવવાની પરંપરા છે.મુસ્લિમ ભાઈઓ મોટો ચાંદીનો મોદક અર્પણ કરશે,જ્યારે અહીંના વેપારીઓ પાંચેક ફુટનો બાપ્પાનો સોનાનો હાર તૈયાર કરી રહ્યા છે.