નવી દિલ્હી,તા.11.મે.2022 : સૌરાષ્ટ્રનો પ્લેયર અને ટીમ ઈન્ડિયાનો આધારભૂત બેટસમેન ચેતેશ્વર પૂજારા ઈંગ્લેન્ડના કાઉન્ટી ક્રિકેટમાં ધરખમ ફોર્મમાં છે.પૂજારા ચાર ઈનિંગમાં ચાર સદી ફટકારી ચુકયો છે.રસપ્રદ વાત એ છે કે, પૂજારા અને પાકિસ્તાનનો સ્ટાર પ્લેયર મહોમ્મદ રિઝવાન બંને સસેક્સની ટીમ તરફથી કાઉન્ટીમાં રમી રહ્યા છે.
રિઝવાને પૂજારાના ભરપૂર વખાણ કર્યા છે.એક મીડિયા ઈન્ટરવ્યૂમાં રિઝવાને કહ્યું હતુ કે, હું તેની સાથે ખૂબ વાતચીત કરુ છું અને તેમને પરેશાન પણ કરુ છું.ટીમમાં બધાને ખબર છે કે, પૂજારા બહુ ઉમદા અને પ્રેમાળ વ્યક્તિ છે.તેની બેટિંગમાં એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રીત કરવાની ક્ષમતા લાજવાબ છે.જો પૂજારા પાસે કશું શીખવુ હોય તો એકાગ્રતા કેવી રીતે કેળવવી તે શીખવા જેવુ છે.રિઝવાને કહ્યુ હતુ કે, મેં મારી કેરિયરમાં પૂજારા સિવાય યુનુસ ભાઈ( યુનુસ ખાન) અને ફવાદ આલમમાં જ બેટિંગ માટે જબરદસ્ત એકાગ્રતા જોઈ છે. પૂજારાને આ ત્રણે ખેલાડીઓમાં હું એકાગ્રતાના મામલે બીજા ક્રમે મુકુ છું.
રિઝવાનનુ કહેવુ હતુ કે, તમે જ્યારે લાંબા સમય માટે લિમિટેડ ઓવર ક્રિકેટ રમો છો ત્યારે લાંબા ફોરમેટમાં તમારી બેટિંગ પ્રભાવિત થતી હોય છે.પૂજારાની સલાહથી મને મદદ મળી છે.જ્યારે હું જલદી આઉટ થયો ત્યારે મેં પૂજારા સાથે વાત કરી હતી.તેમણે મને કેટલીક ટિપ્સ આપી હતી.જેમ કે બેટને શરીર નજીક રાખીને રમવુ.કારણકે વન ડે અને ટી 20માં તમે બેટને શરીરથી દુર રાખીને પણ શોટ મારતા હોય છે.કારણકે આ પ્રકારની મેચોમાં બોલ બહુ સ્વિંગ થતા નથી.જ્યારે ટેસ્ટ ક્રિકેટ જેવા ફોરમેટમાં તમારે બેટને શરીરથી નજીક રાખીને જ રમવુ પડતુ હોય છે.