નવી દિલ્હી,તા.20 જુલાઈ 2022,બુધવાર : બ્રિટનના ભાવી પીએમ તરીકેની રેસમાં આગળ ચાલી રહેલા ભારતીય મૂળના નેતા ઋષિ સુનકને લઈને ભારતમાં પણ ઉત્સુકતા છે.જો તેઓ પીએમ બન્યા તો નવો ઈતિહાસ સર્જાશે. કારણકે બ્રિટિશરોએ ભારતને વર્ષો સુધી ગુલામ રાખ્યુ હતુ.અને એ જ દેશના વડાપ્રધાનની ખુરશી પર કોઈ ભારતીય મૂળનો વ્યક્તિ બેસશે તેવુ કદાચ થોડા વર્ષો પહેલા કોઈએ વિચાર્યુ પણ નહોતુ.
ઋષિ સુનકનુ એક નિવેદન પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે.જેમાં તેઓ પોતાને ગૌરવશાળી હિન્દુ ગણાવી રહ્યા છે.આ વાત 2020ની છે.તેમણે બ્રિટનના નાણા મંત્રી તરીકે ભગવદ ગીતા પર હાથ મુકીને શપથ લીધા હતા.એ પછી બ્રિટિશ અખબારને તેમણે કહ્યુ હતુ કે, હું બ્રિટનનો નાગરિક છું પણ મારો ધર્મ હિન્દુ છે.ભારત મારી ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસત છે.હું ગર્વથી કહી શકું છું કે હું હિન્દુ છુ અને હિન્દુ હોવુ મારી ઓળખ છે.
ઋષિ સુનક ડેસ્ક પર ભગવાન ગણેશની મૂર્તિ રાખે છે અને ધાર્મિક માન્યતાથી પ્રેરાઈને બીફ પણ ખાતા નથી.ઋષિ સુનક પંજાબી ખતરી પરિવારમાંથી આવે છે.ઋષિના દાદા રામદાસે 1935માં ગુજરાનવાલા છોડી દીધુ હતુ અને નોકરી કરવા માટે નૈરોબી જતા રહ્યા હતા.કારણકે તે સમયથી કોમી તનાવ ગુજરાનવાલામાં દેખાવા માંડ્યો હતો.રામદાસના પત્ની પાછળથી 1937માં કેન્યા જતા રહ્યા હતા.
રામદાસ અને તેમના પત્ની સુહાગ રાનીને 6 બાળકો હતા.જેમાં ઋષિના પીતા યશવીર સુનકનો સમાવેશ થતો હતો. તેમનો જન્મ નૈરોબીમાં થયો હતો.યશવીર 1966માં નૌરોબી આવી ગયા હતા. જ્યાં તેમણે મેડિસિનનો અભ્યાસ કર્યો હતો.હાલમાં તેઓ સાઉથ હેમ્પટનમાં રહે છે.ઋષિ સુનકે બ્રિટનની વિન્ચેસ્ટર સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.એ પછી તેમણે આગળ ઓક્સફોર્ડ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો.રાજકારણમાં આવતા પહેલા તે જાણીતી ફાઈનાન્સ કંપનીઓમાં પણ કામ કરી ચુકયા છે.